MORBI:મોરબી રાજપર (કુંતાસી)ના મહિલા સરપંચને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી ધમકી અપાતા બે સામે પોલીસ ફરિયાદ




MORBI:મોરબી રાજપર (કુંતાસી)ના મહિલા સરપંચને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી ધમકી અપાતા બે સામે પોલીસ ફરિયાદ

મોરબી તાલુકાના રાજપર (કુંતાસી) ગામમાં મહિલા સરપંચને જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવા તેમજ પંચાયતની કામગીરીમાં અવરોધ ઊભો કરવા અંગે બે શખ્સો સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મૂળ વડોદરાના વતની અને હાલ મોરબીના રાજપર (કુંતાસી) ગામે રહેતા ૩૨ વર્ષીય નર્મદાબેન મનોજભાઈ ધોરીયાણી ગામના સરપંચ તરીકે ફરજ બજાવે છે. તેઓ ગામની એક દુકાનેથી ચીજવસ્તુઓ લઈને પરત ફરી રહ્યા હતા, ત્યારે આરોપી મનસુખભાઈ અવચરભાઈ દેત્રોજા (રહે. રાજપર આમરણ) એ તેઓને અટકાવીને જાહેરમાં અપમાનિત કર્યા હતા. આરોપીએ સરપંચને ઉદ્દેશીને કહ્યું હતું કે, “આ ગોધરી ગામની થોડી સરપંચ હોય, આને હું ગમે ત્યારે સસ્પેન્ડ કરાવી નાખીશ.” તેમ કહી ગર્ભિત ધમકી આપી જાહેર શાંતિનો ભંગ કર્યો હતો.
આટલું જ નહીં, પંચાયત ઓફિસના પગથિયાં ચઢતી વખતે આરોપી મનસુખભાઈ દેત્રોજા અને અન્ય એક આરોપી સંદિપભાઈ ખીમજીભાઈ મેંદપરા (રહે. મોરબી) એ ભેગા મળીને મહિલા સરપંચને ધમકાવ્યા હતા. આરોપીઓએ જણાવ્યું હતું કે, “આજની મીટિંગમાં કોઈ નિર્ણય થવા દેવો નથી અને આ ગોધરીને સરપંચ પદેથી સસ્પેન્ડ કરાવીને જ રહેવી છે.”આમ, બંને આરોપીઓએ જાહેરમાં મહિલા સરપંચની જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો કહી, માનસિક રીતે પ્રતાડિત કરી પંચાયતના સરકારી કામમાં રુકાવટ લાવવાનો પ્રયાસ કર્યો હતો.મહિલા સરપંચ નર્મદાબેન ધોરીયાણીની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી મનસુખભાઈ અવચરભાઈ દેત્રોજા અને સંદિપભાઈ ખીમજીભાઈ મેંદપરા વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.


