MORBI:રાજકોટ જંગલેશ્વરની જેમ મોરબીમાં પણ મેગા ડિમોલેશનની તૈયારી





MORBI:રાજકોટ જંગલેશ્વરની જેમ મોરબીમાં પણ મેગા ડિમોલેશનની તૈયારી

પંચાસર રોડના સાવરણી પાળ વિસ્તારમાં 300થી વધુ પરિવારોને અંતિમ નોટિસ, રહેવાસીઓમાં રોષ
મોરબી શહેરમાં રાજકોટના જંગલેશ્વર વિસ્તાર જેવી મેગા ડિમોલેશન કાર્યવાહી થવાની ચર્ચાઓ વચ્ચે મોરબી મહાનગરપાલિકા દ્વારા પંચાસર રોડ પર આવેલ સાવરણી પાળ વિસ્તારમાં વસવાટ કરતા 300થી વધુ પરિવારોને અંતિમ નોટિસ પાઠવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. નોટિસ મળતા જ વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે.

માહિતી મુજબ, મહાનગરપાલિકાએ રહેવાસીઓને મકાન ખાલી કરવા સૂચના આપતા આગામી દિવસોમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. વર્ષોથી અહીં વસવાટ કરતા પરિવારોનું કહેવું છે કે અચાનક મકાન ખાલી કરવાની કાર્યવાહીથી તેઓ બેઘર બનવાની સ્થિતિમાં મુકાઈ જશે.
નોટિસના વિરોધમાં મોટી સંખ્યામાં રહેવાસીઓ મોરબી મહાનગરપાલિકા કચેરીએ દોડી ગયા હતા અને અધિકારીઓને આવેદન પાઠવી રજૂઆત કરી હતી. રહેવાસીઓએ માંગ કરી હતી કે ડિમોલિશન પહેલાં તમામ અસરગ્રસ્ત પરિવારો માટે વૈકલ્પિક રહેઠાણ અથવા આવાસની વ્યવસ્થા કરવામાં આવે.
રહેવાસીઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે વિસ્તારમાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો વસવાટ કરે છે, જેમાં મહિલાઓ, વૃદ્ધો, બાળકો તથા રોજમજૂરી કરતા લોકોનો સમાવેશ થાય છે. તાત્કાલિક કાર્યવાહીથી તેમના જીવન અને રોજગાર પર ગંભીર અસર પડશે.
સાથે જ રહેવાસીઓએ મહાનગરપાલિકાને માનવતાના ધોરણે નિર્ણય લેવા અને યોગ્ય વ્યવસ્થા બાદ જ કોઈ કાર્યવાહી હાથ ધરવા અપીલ કરી છે. હવે મહાનગરપાલિકા દ્વારા આ મામલે શું નિર્ણય લેવાય છે તેના પર સૌની નજર ટકેલી છે.




