RAJKOT:રાજકોટ રેન્જ પોલીસની મોટી કાર્યવાહી: સાયલાથી નકલી Dy.S.P. ઝડપાયો







RAJKOT:રાજકોટ રેન્જ પોલીસની મોટી કાર્યવાહી: સાયલાથી નકલી Dy.S.P. ઝડપાયો


Dy.S.P. તરીકેની ખોટી ઓળખ આપી છેતરપિંડી આચરતો નકલી પોલીસ અધિકારી રાજકોટ રેન્જ ટીમની ગીરફતમાં: બનાવટી દસ્તાવેજો બનાવી સોશિયલ મીડિયામાં શેર કરતો હતો

આર્થિક લાભ મેળવવા માટે Dy.S.P. (નાયબ પોલીસ અધીક્ષક) તરીકે રાજ્ય સેવકની ખોટી ઓળખ ઉભી કરી, ઈલેક્ટ્રિક ઉપકરણોની મદદથી નકલી ફોટા અને આઈકાર્ડ જેવા બનાવટી દસ્તાવેજો બનાવી સોશિયલ મીડિયા પર શેર કરનાર એક ભેજાબાજ ઈસમને રાજકોટ રેન્જ ટીમે ઝડપી પાડ્યો છે.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) દ્વારા રેન્જ હેઠળના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા અને સામાન્ય નાગરિકોને છેતરતી ટોળકીઓ કે ઈસમો પર સોશિયલ મીડિયા તેમજ હ્યુમન સોર્સ દ્વારા નજર રાખી કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચના અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઈન્સ્પેક્ટર શ્રી પી.એન.મોરી, શ્રી બી.સી.મીયાત્રા, શ્રી સી.એમ.કાંટેલીયા અને તેમની ટીમ સતત પ્રયત્નશીલ હતી.

દરમિયાન પોલીસ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે, સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતેથી પોલીસ વિભાગના Dy.S.P. કક્ષાના ઉચ્ચ અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી સાયબર ક્રાઈમ અને છેતરપિંડી આચરતા આરોપી સોહીલખાન બિસ્મીલાખાન પઠાણ (ઉંમર વર્ષ ૩૧, રહે. સાયલા, લાલજી મહારાજની જગ્યા પાસે, નવાગઢ, જિ. સુરેન્દ્રનગર) ને સાયલા-સુદામડા ચોકડી નીચેથી દબોચી લેવામાં આવ્યો છે. આરોપી સામે આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેને સાયલા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.
આ સફળ કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી અપૂર્વ પટેલ, પો.સ.ઈ. શ્રી પી.એન.મોરી, શ્રી બી.સી.મીયાત્રા, શ્રી સી.એમ.કાંટેલીયા, એ.એસ.આઈ. યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, હેડ કોન્સ્ટેબલ રાજદિપસિંહ ઝાલા, કોન્સ્ટેબલ દિલીપસિંહ સિંધવ, ફતેસંગ પરમાર તેમજ ટેકનિકલ સેલના પો.સ.ઈ. શ્રી પી.સી.સરતેજા, અને સ્ટાફના નરેન્દ્રસિંહ રાઠોડ તથા બળદેવસિંહ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી.



