MORBIMORBI CITY / TALUKO

RAJKOT:રાજકોટ રેન્જ પોલીસની મોટી કાર્યવાહી: ગ્રામ્યમાં ગેરકાયદેસર બાયોડિઝલનું મસમોટું કૌભાંડ ઝડપી પાડ્યું 

 

RAJKOT:રાજકોટ રેન્જ પોલીસની મોટી કાર્યવાહી: ગ્રામ્યમાં ગેરકાયદેસર બાયોડિઝલનું મસમોટું કૌભાંડ ઝડપી પાડ્યું

હાલમાં પેટ્રોલ-ડીઝલની વર્તમાન અછતનો લાભ ઉઠાવીને કોઈ સંગ્રહખોરી ન કરે, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન આચરે કે ઇંધણમાં ભેળસેળ ન કરે તે માટે રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક (DIG) શ્રી નિર્લિપ્ત રાય (IPS) દ્વારા કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. આ સૂચના અન્વયે રાજકોટ રેન્જની ટીમે મોટી સફળતા મેળવતા રાજકોટ ગ્રામ્યના ગોંડલ અને શાપર વિસ્તારમાંથી અંદાજે ૭૫,૦૦૦ લીટર ગેરકાયદેસર શંકાસ્પદ બાયોડિઝલ (જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી) નો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે વાહનો સહિત કુલ ₹૧,૬૯,૮૦,૦૦૦ (એક કરોડ ઓગણસિત્તેર લાખ એંસી હજાર) નો મુદ્દામાલ સીઝ કર્યો છે.

રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પી.એન.મોરી, શ્રી બી.સી.મીયાત્રા, શ્રી સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના માણસો હ્યુમન સોર્સ અને વર્કઆઉટના આધારે તપાસમાં હતા. આ દરમિયાન પી.એસ.આઈ. બી.સી.મીયાત્રા અને સ્ટાફના કુલદીપસિહ ચુડાસમા, વકારભાઇ અરબ, અતુલભાઇ ડાભી, શિવરાજસિંહ ઝાલા, દિવ્યેશભાઇ સુવા, નિકુલભાઇ પંપાણીયા, દિલીપસિહ સીંધવ તથા ફતેસંગ પરમારને મળેલી ચોક્કસ બાતમીના આધારે બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.

ગોંડલ સિટી બી ડીવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સુર્યદિપ વેરહાઉસના ગ્રાઉન્ડમાંથી બે ટેન્કરો શંકાસ્પદ જથ્થા સાથે પકડાયા હતા:

ટાટા ટેન્કર (નંબર: GJ-12-BY-1139): ચાલક પૃથ્વીસિંહ શ્રવણસિંહ રાવત (મૂળ રહે. અજમેર, રાજસ્થાન) ના કબજામાંથી આશરે ૩૫,૦૦૦ લીટર જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી મળી આવ્યું હતું.

અશોક લેલેન્ડ ટેન્કર (નંબર: GJ-35-T-3423): ચાલક સંતોષકુમાર ગયાપ્રસાદ યાદવ (મૂળ રહે. સુલતાનપુર, ઉત્તર પ્રદેશ) ના કબજામાંથી આશરે ૧૦,૦૦૦ લીટર શંકાસ્પદ પ્રવાહી મળી આવ્યું હતું.

શાપર વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ખુલ્લા પટમાંથી વધુ એક ટેન્કર ઝડપી પાડવામાં આવ્યું હતું:

ટાટા ટેન્કર (નંબર: GJ-12-BZ-1188): ચાલક ખોડાભાઇ બાબુભાઇ વકાતર (ભરવાડ, ઉંમર વર્ષ ૪૯, રહે. વરણુ, તા. રાપર, જી. કચ્છ) ના કબજામાંથી પીળાશ તથા લીલાશ પડતા રંગનું આશરે ૩૪,૦૦૦ લીટર જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી ઝડપાયું હતું.

પોલીસે આ કામગીરી દરમિયાન ત્રણેય ડ્રાઇવરોની અટકાયત કરી છે. સ્થળ પરથી અન્ય એક ટાટા ટેન્કર (નંબર: GJ-03-BW-0046) સહિત કુલ ૭૫,૦૦૦ લીટર શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી અને વાહનો મળી કુલ રૂપિયા ૧,૬૯,૮૦,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ સમગ્ર જથ્થો સીઝ કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે ગોંડલ સિટી બી ડીવિઝન પોલીસ સ્ટેશન તથા શાપર (વે.) પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે અને જાણવાજોગ નોંધ દાખલ કરવામાં આવી છે. આ શંકાસ્પદ કેમિકલ/બાયોડિઝલના સેમ્પલો મેળવીને તેને ચકાસણી અર્થે એફ.એસ.એલ. (FSL) ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!