
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
દંડકારણ્ય તરીકે ઓળખાતી પવિત્ર ભૂમિ અને જ્યાં ભગવાન શ્રીરામ તથા માતા શબરીનું મિલન થયુ હતુ, તેવા ઐતિહાસિક તીર્થધામ શબરીધામ (ડાંગ) ખાતે આગામી મકરસંક્રાંતિના પવિત્ર પર્વે “શ્રીરામ આગમન મહોત્સવ” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રી શબરીમાતા સેવા સમિતિ દ્વારા આ પરંપરાગત ઉત્સવ અંતર્ગત બે દિવસીય વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.ડાંગ જિલ્લાના પવિત્ર યાત્રાધામ શબરીધામ ખાતે આગામી ૧૪ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ મકરસંક્રાંતિના પાવન અવસરે ‘શ્રીરામ આગમન મહોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દંડકારણ્યની આ પવિત્ર ભૂમિ, જ્યાં ભગવાન શ્રીરામ અને માતા શબરીનું મિલન થયુ હતુ, ત્યાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શ્રી શબરીમાતા સેવા સમિતિ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. મહોત્સવની શરૂઆત ૧૩ જાન્યુઆરીની રાત્રે પંપા સરોવર ખાતે ભજન સત્સંગ અને મહાપ્રસાદથી થશે. ત્યારબાદ ૧૪ જાન્યુઆરીના રોજ સવારે ૮:૦૦ વાગ્યે પંપા સરોવરથી શબરીધામ સુધી શ્રીરામ-લક્ષ્મણની ભવ્ય પદયાત્રા નીકળશે, જે સવારે ૧૦:૦૦ વાગ્યે શબરીધામ પહોંચી ‘શ્રીરામ શબરી મિલન’ના પ્રસંગમાં પરિણમશે. આ પ્રસંગે આયોજિત જાહેર કાર્યક્રમમાં વનવાસી કલ્યાણ આશ્રમના અખિલ ભારતીય મંત્રી અતુલજી જોગ અધ્યક્ષ સ્થાને બિરાજશે, જ્યારે મુખ્ય અતિથિ તરીકે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ તેમજ વિશેષ અતિથિ તરીકે સાંસદ ધવલભાઈ પટેલ, ધારાસભ્ય વિજયભાઈ પટેલ,પૂર્વ મંત્રી કુબેરભાઈ ડીંડોર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.શબરીધામ સમિતિના અધ્યક્ષ ડૉ. ચિંતુભાઈ ચૌધરીએ તમામ ભક્તોને આ મહોત્સવમાં ઉમટી પડવા હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે..





