MORBI:મોરબીમાં આગામી તા. ૧૧ થી ૨૦ જૂન દરમિયાન યોજાશે બોર્ડની પૂરક પરીક્ષા; તૈયારીઓની સમીક્ષા અર્થે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે બેઠક યોજી







મોરબીમાં આગામી તા. ૧૧ થી ૨૦ જૂન દરમિયાન યોજાશે બોર્ડની પૂરક પરીક્ષા; તૈયારીઓની સમીક્ષા અર્થે નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે. ખાચરે બેઠક યોજી


કુલ ૧,૮૫૫ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા: વીજ પુરવઠો, એસ.ટી. બસ સેવા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત અંગે જરૂરી સૂચનાઓ અપાઈ

મોબાઈલ કે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સના પ્રવેશ પર પ્રતિબંધ: પરીક્ષા કેન્દ્રો પર સઘન ચકાસણી કરવા તાકીદ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. ૧૧ જૂન થી ૨૦ જૂન, ૨૦૨૬ દરમિયાન આયોજિત ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પૂરક પરીક્ષાઓ મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ અને સુચારુ વાતાવરણમાં યોજાય તે માટે નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે. ખાચરે સમીક્ષા બેઠક યોજી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રીએ પૂરક પરીક્ષાની કામગીરીને અત્યંત ગંભીરતાથી લઈ તમામ જરૂરી તકેદારી રાખવા ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી. પરીક્ષાના દિવસો દરમિયાન પી.જી.વી.સી.એલ. (PGVCL) વિભાગ દ્વારા અવિરત વીજ પુરવઠો, એસ.ટી. વિભાગ દ્વારા નિયમિત બસ સેવા અને પોલીસ વિભાગ તરફથી ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પૂરો પાડવા અંગે પણ જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.
બેઠક દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કમલેશભાઈ મોતાએ કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં મોબાઈલ કે અન્ય કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ ન લઈ જાય તેની પરીક્ષા પૂર્વે જ સઘન ચકાસણી કરવા સ્થળ સંચાલકોને જણાવ્યું હતું. ધોરણ-૧૦ ના ઝોનલ અધિકારી શ્રી શૈલેષભાઈ મેરજા અને ધોરણ-૧૨ ના ઝોનલ અધિકારી શ્રી ભાવેશભાઈ ભાલોડીયાએ ‘પાટા એપ્લિકેશન’ (PATA Application) તેમજ અન્ય આનુષંગિક વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી પૂરી પાડી હતી.
મોરબી જિલ્લામાં આ પૂરક પરીક્ષા હેઠળ ધોરણ-૧૦ માં ૫ બિલ્ડિંગના ૪૪ બ્લોકમાં કુલ ૧,૨૪૧ વિદ્યાર્થીઓ, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં ૨ બિલ્ડિંગના ૧૧ બ્લોકમાં ૩૦૮ વિદ્યાર્થીઓ અને ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૨ બિલ્ડિંગના ૧૫ બ્લોકમાં ૩૦૬ વિદ્યાર્થીઓ મળીને કુલ ૯ બિલ્ડિંગના ૭૦ બ્લોકમાં કુલ ૧,૮૫૫ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપનાર છે.



