HALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદમાં કરોડોના ખર્ચે બનતા રોડના કામમાં ભ્રષ્ટાચારની ગંધ: શરણેશ્વર મંદિરથી વડ સુધીના રસ્તા પર કામ ચાલુ હોવા છતાં પડી તિરાડો

 

HALVAD:હળવદમાં કરોડોના ખર્ચે બનતા રોડના કામમાં ભ્રષ્ટાચારની ગંધ: શરણેશ્વર મંદિરથી વડ સુધીના રસ્તા પર કામ ચાલુ હોવા છતાં પડી તિરાડો

હળવદ શહેરમાં શરણેશ્વર મંદિરથી વડ સુધીના રોડના નિર્માણનું કામ ફરી એકવાર મોટા વિવાદમાં સપડાયું છે. અંદાજે 8 કરોડના અધધ ખર્ચે કોન્ટ્રાક્ટર દ્વારા અલગ-અલગ ત્રણ રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ લોકમુખે ચર્ચાતી વિગતો મુજબ આ કામમાં લોટ, પાણી ને લાકડા જેવી નીતિ અપનાવી નબળી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવી રહ્યું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ પૂર્વે જ્યારે PCC (Plain Cement Concrete) નું કામ કરવામાં આવ્યું હતું, ત્યારે પણ તે અત્યંત નબળી ગુણવત્તાનું હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે ભારે હોબાળો થતાં તે કામ દૂર કરી ફરીથી નવું કામ કરાવવાની ફરજ પડી હતી.

આ અગાઉની ઘટનામાંથી પાઠ ભણવાને બદલે કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી ચાલુ રાખવામાં આવી હોય તેમ, હાલમાં જ્યાં સીસી રોડનું કામ હજુ પ્રગતિમાં છે અને રોડ પર માત્ર પાણી છાંટવાની (ક્યોરિંગ) પ્રક્રિયા જ ચાલુ છે, ત્યાં જ રોડ પર અનેક જગ્યાએ મોટી-મોટી તિરાડો દેખાવા લાગી છે. રસ્તો હજુ જનતા માટે ખુલ્લો મુકાય તે પહેલાં જ તેમાં તિરાડો પડી જતાં તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગત સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

સ્થાનિકોનો રોષ: “જો રોડ બનતી વખતે જ તૂટવા લાગે, તો તેના પર ભારે વાહનોની અવરજવર શરૂ થયા પછી આ રોડ કેટલા દિવસ ટકશે? જનતાના ટેક્સના ₹8 કરોડ પાણીમાં જઈ રહ્યા છે.”

ગુણવત્તા પર દેખરેખ કોની? કરોડોના પ્રોજેક્ટ્સમાં સરકારી એન્જિનિયરો અને સુપરવાઈઝરો શું આંખ આડા કાન કરી રહ્યા છે? બ્લેકલિસ્ટ કેમ નહીં? એકવાર કામ નબળું સાબિત થયા પછી પણ એ જ કોન્ટ્રાક્ટરને કયા આધારે છાવરવામાં આવી રહ્યો છે? હજુ તો રોડ પૂરો પણ નથી થયો ત્યાં પડેલી આ તિરાડો જ સાબિતી આપી રહી છે કે કોન્ટ્રાક્ટર દ્વારા વ્યાપક સ્તરે નબળી ગુણવત્તાનું કામ કરવામાં આવી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે ઉચ્ચ અધિકારીઓ આ મામલે તપાસના આદેશ આપી કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરે છે કે પછી આ મામલા પર પણ ‘સિમેન્ટ’ ફેરવી દેવામાં આવશે.

Back to top button
error: Content is protected !!