MORBI:મોરબી જિલ્લા પંચાયત અને પ્રોજેક્ટ “લાઈફ” વચ્ચે MoU: વાંકાનેરની સમથેરવા પ્રાથમિક શાળાને મળશે નવું ભવ્ય બિલ્ડિંગ







MORBI:મોરબી જિલ્લા પંચાયત અને પ્રોજેક્ટ “લાઈફ” વચ્ચે MoU: વાંકાનેરની સમથેરવા પ્રાથમિક શાળાને મળશે નવું ભવ્ય બિલ્ડિંગ


મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના બાળકોને આધુનિક શિક્ષણ અને સુવિધા મળી રહે તે દિશામાં એક મોટું અને પ્રશંસનીય કદમ ઉઠાવવામાં આવ્યું છે. વાંકાનેર તાલુકાની શ્રી સમથેરવા પ્રાથમિક શાળાના નવનિર્માણ માટે આજે મોરબી જિલ્લા શિક્ષણ સમિતિ અને રાજકોટની જાણીતી સંસ્થા વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્ર મેડીકલ એન્ડ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ સંચાલિત પ્રોજેક્ટ “લાઈફ” દ્વારા જિલ્લા શિક્ષણ સમિતિ, મોરબી સંચાલિત આ શાળાના કુલ-૧૨ ઓરડાઓ સંસ્થાના ૧૦૦% અનુદાન (દાન) થી બાંધી આપવા માટે સહમતિ દર્શાવવામાં આવી હતી.
આ ભગીરથ કાર્ય માટે મોરબીના માનનીય જિલ્લા વિકાસ અધિકારી (DDO) સાહેબશ્રીના યોગ્ય માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ પ્રક્રિયાને ઝડપથી આગળ ધપાવવામાં આવી હતી. જે અંતર્ગત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, મોરબી દ્વારા ગત તા. ૧૧/૦૬/૨૦૨૬ ના રોજ પત્ર લખીને ટ્રસ્ટને MoU કરવા માટે આમંત્રણ આપ્યું હતું.
જેના અનુસંધાને આજે તા. ૧૫/૦૬/૨૦૨૬ ના રોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અને પ્રોજેક્ટ “લાઈફ” ના હોદ્દેદારો વચ્ચે સત્તાવાર MoU સંપન્ન થયા છે. આ પ્રોજેક્ટ હેઠળ અંદાજે રૂપિયા ૧ કરોડના ખર્ચે નીચે મુજબની સુવિધાઓનું નિર્માણ કરવામાં આવશે:
૧૨ અદ્યતન વર્ગખંડો (ઓરડાઓ) -આધુનિક કોમ્પ્યુટર લેબ – સુવિધાજનક સેનિટેશન (શૌચાલય બ્લોક) વગેરે
મહત્વની નોંધ: આ તમામ નિર્માણ કાર્યનો સંપૂર્ણ ખર્ચ સંસ્થા પોતે ભોગવશે અને સરકારી તંત્ર પર કોઈ આર્થિક બોજો નહીં પડે. આ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓના શૈક્ષણિક સ્તરમાં મોટો સુધારો આવશે.આ સરાહનીય કામગીરી બદલ જિલ્લા પ્રશાસન અને ગ્રામજનોએ પ્રોજેક્ટ “લાઈફ” અને સૌરાષ્ટ્ર મેડીકલ એન્ડ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.




