MORBI:મોરબીને મળ્યા પ્રથમ મહિલા મ્યુનિસિપલ કમિશનર: સંગીતાબેન રૈયાણીએ સંભાળ્યો ચાર્જ







MORBI:મોરબીને મળ્યા પ્રથમ મહિલા મ્યુનિસિપલ કમિશનર: સંગીતાબેન રૈયાણીએ સંભાળ્યો ચાર્જ


મોરબી મહાનગરપાલિકાના ઇતિહાસમાં આજે એક નવું પ્રકરણ ઉમેરાયું છે. મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મહિલા મ્યુનિસિપલ કમિશનર તરીકે સંગીતાબેન રૈયાણીએ આજે તારીખ ૧૯/૦૫/૨૦૨૬ ને મંગળવારના રોજ વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળી લીધો છે. મોરબીના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલા અધિકારીની કમિશનર પદે નિમણૂક થતાં સ્થાનિક નગરજનો અને વહીવટી ગણિયતરાઓમાં ભારે ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

બિજી બાજું મોરબીને ‘પેરિસ’ જેવું સુંદર શહેર બનાવવાની વાતો વર્ષોથી રાજકીય મંચો પર ગુંજતી રહી છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે શહેર આજે પણ પાયાની સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યું છે. ગામડામાંથી મહાનગર બનેલા મોરબીની હાલત પર નજર નાખીએ તો રાજાશાહી વખતમાં મળતી મૂળભૂત સુવિધાઓ પણ હવે યાદ બની ગઈ હોય તેવું પ્રતીત થાય છે.
મોરબી મહાનગરપાલિકામાં અનેક અધિકારીઓ આવ્યા અને વિકાસના મોટા-મોટા દાવાઓ કર્યા, પરંતુ શહેરને ગંદકી, ઉભરાતી ગટરો, રખડતા ઢોર અને બિસ્માર રસ્તાઓમાંથી કાયમી મુક્તિ અપાવવામાં તંત્ર વામણું પુરવાર થયું છે. શહેરના અનેક વિસ્તારોમાં રહીશો આજે પણ પાયાની પ્રાથમિક સુવિધાઓ માટે હેરાન-પરેશાન થઈ રહ્યા છે.
અગાઉ જ્યારે સ્વપ્નિલ ખરે પ્રથમ કમિશનર તરીકે આવ્યા ત્યારે ડિમોલેશન ડ્રાઈવ અને ‘શ્રમ ફોર મોરબી’ જેવા સફાઈ અભિયાનથી આશા જાગી હતી. પરંતુ સમય જતાં આ ઝુંબેશો માત્ર દેખાવ પૂરતી મર્યાદિત રહી ગઈ. લોકોમાં એવી ચર્ચા છે કે કાર્યવાહી માત્ર નાના દબાણો પૂરતી જ સીમિત રહી, જ્યારે મોટા દબાણકર્તાઓ સામે તંત્રએ હંમેશા મૌન સેવ્યું. પરિણામે, આજે પણ શહેર સ્વચ્છતા અને આયોજનના મામલે પાછળ ધકેલાયું છે.
હવે મહાનગરપાલિકાના નવા કમિશનર તરીકે સંગીતાબેન રૈયાણીએ ચાર્જ સંભાળ્યો છે, ત્યારે મોરબીના નાગરિકોની નજર તેમના કાર્યકાળ પર મંડાઈ છે. લોકો હવે માત્ર જાહેરાતો કે વિકાસના સપનાઓ જોવા માંગતા નથી, પરંતુ જમીન પર દેખાતું વાસ્તવિક કામ ઈચ્છે છે.
વર્ષોથી મોરબીને વિકાસના નામે માત્ર ‘લોલીપોપ’ મળતા હોવાની જે ચર્ચાઓ શહેરના ખૂણે-ખૂણે સાંભળવા મળે છે, તેને નવા કમિશનર સંગીતાબેન રૈયાણી કઈ રીતે દૂર કરે છે અને શહેરને ખરેખર વિકાસના પંથે લઈ જાય છે કે પછી ‘પેરિસ’ના વાયદાઓ માત્ર કાગળ પર જ રહી જશે, તે જોવું રહ્યું.



