GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ફરી ચક્કાજામના દ્રશ્યો: રણછોડનગરના રહીશોએ પ્રાથમિક સુવિધાઓના અભાવે રસ્તા પર ઉતરી તંત્ર સામે કર્યો ઉગ્ર વિરોધ

 

MORBI:મોરબીમાં ફરી ચક્કાજામના દ્રશ્યો: રણછોડનગરના રહીશોએ પ્રાથમિક સુવિધાઓના અભાવે રસ્તા પર ઉતરી તંત્ર સામે કર્યો ઉગ્ર વિરોધ

 

(રીપોર્ટ મોહસીન શેખ દ્વારા મોરબી) મોરબી: સ્માર્ટ સિટી અને વિકાસના દાવાઓ વચ્ચે મોરબી શહેરમાં ફરી એક વખત પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકો રસ્તા પર ઉતરવાની ફરજ પડી છે. શહેરના રણછોડનગર વિસ્તારમાં વરસાદ બાદ સર્જાયેલી દયનીય પરિસ્થિતિથી કંટાળેલા સ્થાનિક રહીશોએ કોર્પોરેટરની આગેવાની હેઠળ ચક્કાજામ કરી તંત્ર સામે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. જેના કારણે માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

સ્થાનિકોના જણાવ્યા મુજબ વર્ષોથી વિસ્તારમાં પાકા રસ્તા, વરસાદી પાણીના નિકાલ માટેની યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા, ગટર, સ્ટ્રીટ લાઈટ અને અન્ય મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. દર વર્ષે વરસાદ પડતાં સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જાય છે. રસ્તાઓ તળાવમાં ફેરવાઈ જાય છે, ઘરોમાં પાણી ઘૂસી જાય છે અને લોકોને રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વિદ્યાર્થીઓ, વૃદ્ધો, મહિલાઓ અને દર્દીઓ માટે અવરજવર કરવી પણ જોખમી બની જાય છે.

 

સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા સમયથી મહાનગરપાલિકા, સંબંધિત અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમક્ષ વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. માત્ર આશ્વાસનો આપવામાં આવ્યા, પરંતુ જમીન પર કોઈ અસરકારક કામગીરી જોવા મળી નથી.

 

આ સમગ્ર મુદ્દે સૌથી નોંધપાત્ર બાબત એ છે કે વિસ્તારના કોર્પોરેટરે પણ વિકાસના કામો ન થતાં અગાઉ પોતાનું રાજીનામું આપી અસંતોષ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ પક્ષના આગેવાનો દ્વારા સમજાવીને ટૂંક સમયમાં તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું વચન આપવામાં આવ્યું હતું. જોકે સમય વીતી ગયો છતાં સ્થિતિમાં કોઈ સુધારો ન આવતા અંતે કોર્પોરેટરને પણ લોકો સાથે રસ્તા પર ઉતરી વિરોધ કરવાની ફરજ પડી હોવાનું જોવા મળ્યું.

 

ચક્કાજામ દરમિયાન સ્થાનિકોએ તંત્ર અને મહાનગરપાલિકા સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. લોકોનો એક જ સવાલ હતો કે જો ચૂંટાયેલા જનપ્રતિનિધિ અને વિસ્તારના કોર્પોરેટરને પણ પોતાની જ વસાહતમાં વિકાસના કામો કરાવવા માટે રસ્તા પર ઉતરવું પડે, તો સામાન્ય નાગરિકોની સમસ્યાઓનું નિરાકરણ કોણ લાવશે?

સ્થાનિકોનું કહેવું છે કે વિકાસના મોટા મોટા દાવાઓ અને સ્માર્ટ સિટીના પ્રચાર વચ્ચે રણછોડનગર જેવા વિસ્તારોમાં લોકો આજે પણ પાયાની સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે. વરસાદી પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી દર વર્ષે લોકો મુશ્કેલી ભોગવે છે, છતાં જવાબદાર તંત્ર માત્ર કાગળ પરની કામગીરીથી સંતોષ માને છે.

 

રહીશોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક અસરથી રસ્તા, ડ્રેનેજ, ગટર અને અન્ય પ્રાથમિક સુવિધાઓનું કામ શરૂ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી મહાનગરપાલિકા અને સંબંધિત તંત્રની રહેશે.

હવે સવાલ એ છે કે વિકાસના દાવાઓ વચ્ચે શહેરના લોકોને પોતાની મૂળભૂત સુવિધાઓ માટે વારંવાર રસ્તા પર કેમ ઉતરવું પડે છે? શું પ્રજાનો અવાજ માત્ર ચૂંટણી સુધી જ સાંભળવામાં આવે છે કે પછી લોકોની વાસ્તવિક સમસ્યાઓના કાયમી ઉકેલ માટે પણ જવાબદાર તંત્ર ગંભીર બનશે?

Back to top button
error: Content is protected !!