HALVAD:હળવદની શાળામાં ઉત્સાહભેર ઉજવાયો ‘શાળા પ્રવેશોત્સવ’: વન વિભાગના ઉચ્ચ અધિકારી રહ્યા ઉપસ્થિત




HALVAD:હળવદની શાળામાં ઉત્સાહભેર ઉજવાયો ‘શાળા પ્રવેશોત્સવ’: વન વિભાગના ઉચ્ચ અધિકારી રહ્યા ઉપસ્થિત

હળવદના નરનારાયણનગર શાળા ખાતે ગાંધીનગરના વન વિભાગના ઉચ્ચ અધિકારી એ.પી.સી.સી.એફ.શ્રી સંજયકુમાર શ્રીવાસ્તવની અધ્યક્ષતામાં ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમ યોજાયો
સરકારી શાળાના આંગણે નવપ્રવેશી બાળકોને વહાલભેર આવકાર અપાયો; તેજસ્વી તારલાઓ અને દાતાશ્રીઓનું કરાયું બહુમાન

બાળકોમાં પ્રાથમિક સ્તરથી જ ઉત્કૃષ્ટ શિક્ષણની સાથે-સાથે નૈતિક મૂલ્યોનું સિંચન કરવાના ઉમદા આશય સાથે હળવદ તાલુકાના નરનારાયણનગર ખાતે ‘પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ વન વિભાગના ગાંધીનગર સ્થિત એડિશનલ પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (APCCF) શ્રી સંજયકુમાર શ્રીવાસ્તવની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. સરકારી શાળાના આંગણે નાના-નાના ભૂલકાઓનું વહાલભેર નામાંકન કરાયું હતું.
આ અવસરે ઉપસ્થિત વાલીઓ, શિક્ષકો અને ગ્રામજનોને પ્રેરણાદાયી ઉદ્બોધન આપતા એ.પી.સી.સી.એફ.શ્રી સંજયકુમાર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, શિક્ષણમાં થઈ રહેલા સકારાત્મક પરિવર્તનને બિરદાવી, તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. જીવનમાં ગમે તેટલી સફળતા મળે તો પણ હંમેશાં ચિંતા અને ચિંતન કરનારા માતા-પિતા અને શિક્ષકોનો સન્માન અને આદર કરવો જોઈએ. વાલીઓને બાળકોને નિયમિત શાળાએ મોકલવા તેમજ દીકરા-દીકરી વચ્ચે ભેદભાવ ન રાખવા અનુરોધ કરાયો હતો. શિક્ષકની કામગીરીને માત્ર નોકરી નહીં પરંતુ ‘કર્મ જ પૂજા’ ગણાવી હતી. અંતમાં, વૈશ્વિક સમસ્યા એવી ઋતુ પરિવર્તન (ક્લાઈમેટ ચેન્જ) સામે લડવા માટે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા અપીલ કરવામાં આવી હતી અને વિનામૂલ્યે રોપા મેળવવા માટે વન વિભાગની સરકારી નર્સરીનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે શાળાના શિક્ષકશ્રી દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી આપી આ પરીક્ષાઓ આપવા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું. આ કાર્યક્રમ અંતર્ગત શાળાના પાવન પગથિયે પ્રથમવાર ડગ માંડતા ભૂલકાઓને કુમકુમ તિલક લગાવી, મીઠું મોં કરાવીને શૈક્ષણિક કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ શાળાના વિવિધ શૈક્ષણિક ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા તેજસ્વી તારલાઓ તેમજ શાળાના વિકાસમાં આર્થિક અને સામાજિક યોગદાન આપનારા દાતાશ્રીઓનું પણ ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા વિવિધ વિષય પર કાલીઘેલી ભાષામાં વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પ્રકૃતિના જતનના પ્રતીકરૂપે વન વિભાગના ઉચ્ચ અધિકારીશ્રી અને મહાનુભાવો દ્વારા શાળા પરિસરમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત સૌ નાગરિકોને પર્યાવરણ બચાવવા માટેની પ્રેરણા પૂરી પાડી હતી.
આ અવસરે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી દિગ્વિજય સોલંકી, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, વન વિભાગના સ્થાનિક અધિકારીઓ, સહાયક માહિતી નિયામકશ્રી પારુલ આડેસરા, બી.એચ.ઓ.શ્રી બી.કે. દોશી, કેળવણીકારો, ગામના સરપંચશ્રી પરમાર દલસુખભાઈ ઠાકરશીભાઈ, શાળાના આચાર્યશ્રી સાંખલપરા સંજયકુમાર પ્રતાપભાઈ, એસ.એમ.સી.ના સભ્યો, શાળાના આચાર્યશ્રી, સમગ્ર શિક્ષક સ્ટાફ, વાલીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.



