MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં શિવધુન મંડળ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન: કૃષ્ણ જન્મોત્સવે જામ્યો ભક્તિમય માહોલ

 

MORBI:મોરબીમાં શિવધુન મંડળ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન: કૃષ્ણ જન્મોત્સવે જામ્યો ભક્તિમય માહોલ

મોરબીના રવાપર રોડ પર આવેલ વેલકમ પ્રાઈડ પાસેના ગ્રાઉન્ડમાં હાલ ભક્તિનો અનોખો ત્રિવેણી સંગમ રચાયો છે. અહીં શિવધુન મંડળ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલમાં ગરકાવ થઈ ગયો છે. દરરોજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો કથાશ્રવણનો દિવ્ય લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે.

 

આ ધાર્મિક મહોત્સવનો પ્રારંભ ગત ૧૮ મેના રોજ થયો હતો, જે આગામી ૨૪ મે સુધી અવિરત ચાલશે. કથા દરમિયાન દરરોજ સવાર-સાંજ વિવિધ ધાર્મિક પ્રસંગો, ભાવવાહી ભજન-સંકીર્તન અને વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે, જે શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

નંદ ઘેર આનંદ ભયો… કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

કથાના આજના ખાસ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ભવ્ય અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

કથા મંડપને નંદગામની જેમ સજાવવામાં આવ્યો હતો અને ભગવાનના બાળસ્વરૂપના મનમોહક શણગાર કરવામાં આવ્યા હતા.

કૃષ્ણ જન્મ થતાં જ સમગ્ર પંડાલ ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’ ના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો. ભાવિકોએ ઝૂમીને, ભજન-કીર્તન સાથે આરતીનો લાભ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, આયોજક ‘શિવધુન મંડળ પરિવાર’ માત્ર ધાર્મિક ઉત્સવો જ નહીં, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી મોરબીમાં વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાઈને સમાજ ઉપયોગી કાર્યો માટે જાણીતું બન્યું છે.

શ્રીમદ ભાગવત સપ્તાહના બાકીના દિવસોમાં પણ દિવ્ય પ્રસંગો ઉજવાશે. આથી, શિવધુન મંડળ પરિવારના આયોજકો દ્વારા મોરબીની ધર્મપ્રેમી જનતાને મોટી સંખ્યામાં પધારીને આ કથા ગંગામાં ડૂબકી લગાવી ધર્મલાભ લેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!