GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા મહત્ત્વાકાંક્ષી પાણી પુરવઠા યોજના અંતર્ગત નવી વોટર લાઇન કામગીરીનું મેયર દ્વારા સ્થળ નિરીક્ષણ

 

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા મહત્ત્વાકાંક્ષી પાણી પુરવઠા યોજના અંતર્ગત નવી વોટર લાઇન કામગીરીનું મેયર દ્વારા સ્થળ નિરીક્ષણ

 

 

મોરબી શહેરના નાગરિકોને ભવિષ્યમાં વધુ સુવ્યવસ્થિત, નિયમિત અને શુદ્ધ પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી મોરબી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી નવી વોટર લાઇન કામગીરીનું આજે મેયર શ્રી ઉત્તમ સુરાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, મહાનગરપાલિકાના અધિકારીઓ તથા સંબંધિત વિભાગના ઇજનેરોની ઉપસ્થિતિમાં સ્થળ પર જઈને નિરીક્ષણ કરવામાં આવ્યું.

આ નિરીક્ષણ દરમિયાન લખધીરપુર રોડ, જેટકો સ્ટેશન રોડ, પનેલી તળાવ વિસ્તાર, શોભેશ્વર વિસ્તાર તેમજ ફિલ્ટર રોડ ખાતે ચાલી રહેલી વોટર લાઇનની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. મેયરશ્રીએ કામગીરી ઝડપી ગતિએ અને ઉચ્ચ ગુણવત્તા સાથે સમયમર્યાદામાં પૂર્ણ થાય તેમજ કોઈપણ પ્રકારની બેદરકારી ન રહે તે માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

 

અત્યાર સુધી કેટલાક વિસ્તારોમાં ડેમમાંથી મળતા પાણીના પુરવઠા પર આધાર રાખવો પડતો હતો. હવે મહાનગરપાલિકા દ્વારા ઉભા કરવામાં આવી રહેલા આધુનિક ફિલ્ટર પ્લાન્ટ, નવા વોટર સ્ટોરેજ અને સુદ્રઢ પાણી પુરવઠા માળખાના કારણે શહેરના પાણી વિતરણમાં નોંધપાત્ર સુધારો થશે. ખાસ કરીને મહેન્દ્રનગર વિસ્તાર સહિત આસપાસના વિસ્તારોના નાગરિકોને નિયમિત અને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી ઉપલબ્ધ થશે, જેના પરિણામે લાંબા સમયથી ચાલતી પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ આવશે.

આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ફિલ્ટર હાઉસ આધારિત આધુનિક પાણી પુરવઠા યોજના હેઠળ ખાસ કરીને વોર્ડ નં. ૩, ૪ અને ૫ના નાગરિકોને નિયમિત, પૂરતા દબાણ સાથે અને શુદ્ધ પીવાના પાણીનો લાભ મળશે. વર્ષોથી પાણી પુરવઠા અંગે ઊભી થતી સમસ્યાઓનું કાયમી નિરાકરણ આવશે તેમજ ભવિષ્યમાં વધતી વસતિને ધ્યાનમાં રાખીને પણ આ યોજના અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.મેયર શ્રી ઉત્તમ સુરાણીએ જણાવ્યું હતું કે, “મોરબી મહાનગરપાલિકા શહેરના દરેક નાગરિક સુધી ગુણવત્તાસભર, શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે. શહેરના વિકાસને અનુરૂપ આધુનિક પાણી પુરવઠા વ્યવસ્થા ઉભી કરવા માટે સતત આયોજનબદ્ધ કામગીરી કરવામાં આવી રહી છે અને આ પ્રોજેક્ટ મોરબીના પાણી પુરવઠાને વધુ મજબૂત બનાવવામાં એક મહત્વપૂર્ણ સોપાન સાબિત થશે.આ સ્થળ નિરીક્ષણ દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, મહાનગરપાલિકાના અધિકારીઓ, ઇજનેરો તથા સંબંધિત વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Back to top button
error: Content is protected !!