MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ITI ખાતે મહિલાઓ માટે અત્યાધુનિક કોર્સ અને ૧૦૦ બેડની નવી હોસ્ટેલ શરૂ થશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા

 

MORBI:મોરબી ITI ખાતે મહિલાઓ માટે અત્યાધુનિક કોર્સ અને ૧૦૦ બેડની નવી હોસ્ટેલ શરૂ થશે: મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા

શ્રમ અને રોજગાર મંત્રીશ્રીએ સંસ્થાની મુલાકાત લઈ તાલીમાર્થીઓ સાથે રોજગારીલક્ષી સંવાદ સાધ્યો

સ્થાનિક ઉદ્યોગોની જરૂરિયાત મુજબ યુવાનો કૌશલ્યવાન બને તે માટે માળખાકીય સુવિધાઓ અને નવીનીકરણને મળી મંજૂરી

ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાએ ગત રોજ મોરબી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ સંસ્થાની શૈક્ષણિક પ્રવૃત્તિઓની સમીક્ષા કરવાની સાથે મહિલા સશક્તિકરણ અને સંસ્થાના ભૌતિક વિકાસ માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી.

મંત્રીશ્રીએ સંસ્થાના પ્રિન્સિપલ શ્રીમતી માયાબેન પટેલ સાથેની ચર્ચામાં જણાવ્યું હતું કે, આગામી શૈક્ષણિક વર્ષથી મોરબી આઈ.ટી.આઈ. ખાતે મહિલાઓ માટે અત્યાધુનિક તાલીમ વર્ગો (Advanced Courses) શરૂ કરવામાં આવશે. મોરબી જિલ્લાની વધુમાં વધુ મહિલાઓ આ કૌશલ્યવર્ધક તાલીમ મેળવી આત્મનિર્ભર બને તે માટે જરૂરી પ્રચાર-પ્રસાર કરવા તેમણે માર્ગદર્શન આપ્યું હતું.

 

તાલીમાર્થીઓની સુવિધામાં વધારો કરવા માટે સંસ્થાના કેમ્પસમાં ટૂંક સમયમાં ૧૦૦ બેડની ક્ષમતાવાળી નવી અદ્યતન હોસ્ટેલ બિલ્ડીંગનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, પ્રવર્તમાન બિલ્ડીંગના રીનોવેશન (નવીનીકરણ) માટે પણ જરૂરી ફંડ મંજૂર કરવામાં આવ્યું છે. મંત્રીશ્રીએ આ કામગીરી સમયસર પૂર્ણ કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

 

મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ દરેક ટ્રેડ, વર્કશોપ અને ક્લાસરૂમની રૂબરૂ મુલાકાત લઈ તાલીમાર્થીઓ સાથે હળવાશભર્યા વાતાવરણમાં સંવાદ કર્યો હતો. તેઓએ યુવાનોને ભવિષ્યની રોજગારીની તકો અને કૌશલ્ય વિકાસનું મહત્વ સમજાવી પ્રેરણા પૂરી પાડી હતી. સંસ્થાના સ્ટાફ સાથે યોજાયેલી બેઠકમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, મોરબીના સ્થાનિક ઉદ્યોગોની જરૂરિયાત મુજબ યુવાનો સજ્જ બને તે આજના સમયની માંગ છે. આ મુલાકાત બદલ સંસ્થાના પ્રિન્સિપલ અને સ્ટાફ પરિવારે મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે જિલ્લાના અગ્રણીઓ અને રોજગાર વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!