MORBI:મોરબી વારંવાર બંધ પડતી કાર અંગે દાદ ન આપનાર જય ગણેશ ઓટો ઝોન સામે ગ્રાહક કોર્ટનો કડક હુકમ

MORBI:મોરબી વારંવાર બંધ પડતી કાર અંગે દાદ ન આપનાર જય ગણેશ ઓટો ઝોન સામે ગ્રાહક કોર્ટનો કડક હુકમ
મોરબીના ગ્રાહકના હક્કનો વિજય: નવી કારમાં ખામી સર્જાતા ગ્રાહક કોર્ટે જય ગણેશ ઓટો ઝોનને આપી ફટકાર, ૭ દિવસમાં કાર રિપેર કરી રૂ. ૫,૦૦૦ ખર્ચ ચૂકવવા હુકમ
ગ્રાહક સુરક્ષા જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો એક કિસ્સો મોરબીમાંથી સામે આવ્યો છે. મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામના વતની સંજયકુમાર નિતિનભાઈ કુંડારીયાએ જય ગણેશ ઓટો ઝોનમાંથી રૂ. ૨૦,૫૪,૪૪૪/- ની કિંમતની ગાડી (નંબર: GJ-36-AJ-8200) ખરીદી હતી.
ખરીદીના એક વર્ષ બાદ આ ગાડીમાં અચાનક કૂલિંગ સિસ્ટમ અને એન્જિનમાં ખામી સર્જાતા કાર વારંવાર બંધ પડી જતી હતી. આ અંગે સંજયભાઈએ જય ગણેશ ઓટો ઝોનમાં વારંવાર રજૂઆતો અને ફરિયાદો કરી હતી, પરંતુ શોરૂમ તરફથી કોઈ યોગ્ય કે સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નહોતો.
શોરૂમ સંચાલકો દ્વારા કોઈ દાદ ન મળતાં, સંજયભાઈએ મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શ્રી લાલજીભાઈ મહેતાનો સંપર્ક કર્યો હતો. ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આ મામલે ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
કેસની સુનાવણી બાદ નામદાર ગ્રાહક કોર્ટે ગ્રાહકના પક્ષમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે જય ગણેશ ઓટો ઝોનને ૭ દિવસની અંદર ગ્રાહકને પૂર્ણ સંતોષ થાય તે રીતે મફતમાં (ફ્રીમાં) ગાડી સંપૂર્ણ વ્યવસ્થિત કરી આપવા તથા ગ્રાહકને થયેલી હેરાનગતિ અને કાનૂની ખર્ચ પેટે રૂ. ૫,૦૦૦/- (અંકે રૂપિયા પાંચ હજાર પૂરા) ચૂકવી આપવાનો કડક હુકમ કર્યો છે.
આ પ્રસંગે ગ્રાહક સુરક્ષા મંડળે જણાવ્યું હતું કે, ગ્રાહકે પોતાના હક્ક અને હિત માટે હંમેશાં જાગૃત રહીને અન્યાય સામે લડવું જોઈએ. જો કોઈ પણ ગ્રાહકને વેપારી કે સંસ્થા તરફથી અન્યાય થાય, તો મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક સાધવો.સંપર્ક સૂત્ર:શ્રી લાલજીભાઈ મહેતા (પ્રમુખ) – મો. ૯૮૨૫૭ ૯૦૪૧૨ શ્રી હિતેશભાઈ મહેતા (ઉપપ્રમુખ) – મો. ૯૯૭૮૯ ૮૩૯૮૬









