MORBIMORBI CITY / TALUKO

આત્મહત્યા એ ‘કાયરતા’ નથી,પણ અસહ્ય માનસિક પીડા અને સામાજિક નિષ્ફળતાની આખરી મર્યાદા છે.- લેખક અમિત ત્રિવેદી 

 

આત્મહત્યા એ ‘કાયરતા’ નથી,પણ અસહ્ય માનસિક પીડા અને સામાજિક નિષ્ફળતાની આખરી મર્યાદા છે.- લેખક અમિત ત્રિવેદી

 

આજે મને સોશિયલ મીડિયા પર એક લખાણ વાંચવામાં આવ્યું, જેમાં લખ્યું હતું કે: “પશુ-પંખીઓ કે કીડા-મકોડા પણ ક્યારેય આત્મહત્યા નથી કરતા, તો માણસ કેમ આ માર્ગ પસંદ કરે છે? સેંકડો પાનખર જોયા પછી પણ વૃક્ષ આપઘાત નથી કરતું. ઈચ્છા વિરુદ્ધ થાય ત્યારે જીવન ટૂંકાવવું એ કાયરતા છે અને ઈશ્વરનો ગુનો છે.”

ઉપરછલ્લી રીતે જોતાં કદાચ આ વાત સાચી લાગે, પણ જો થોડા ઊંડા ઉતરીને વિચારીએ ને… તો આ સરખામણી જ તદ્દન ખોટી અને સંવેદનહીન છે! જે વ્યક્તિ આત્મહત્યાના આખરી પગલા સુધી પહોંચે છે ને, તેને ‘કાયર’ કહી દેવી એ તેની આંતરિક પીડા, તેના સંઘર્ષ અને તેની લાચારીનું ઘોર અપમાન છે.

દુનિયાનો કોઈ માણસ ક્યારેય મરવા નથી માંગતો!

એ તો બસ પોતાની અંદર ચાલતી અસહ્ય પીડા, આંતરિક કલહ અને વિપરીત પરિસ્થિતિઓનો અંત લાવવા માંગતો હોય છે. જ્યારે બધી જ દિશાઓ બંધ થઈ જાય, ચારેય તરફ ઘોર અંધકાર છવાઈ જાય, અને કોઈ જગ્યાએ સમસ્યાનું નિરાકરણ ન દેખાય… ત્યારે જ મનુષ્ય આ આત્યંતિક પગલું ભરે છે.

વૃક્ષ, પશુ અને મનુષ્યમાં શું તફાવત છે?

પશુ-પંખીઓ અને મનુષ્યના જીવન વચ્ચે એક બહુ મોટી ભેદરેખા છે. મનુષ્ય પાસે અતિ સંવેદનશીલ મન, સામાજિક પ્રતિષ્ઠા, આત્મસન્માન અને જટિલ ભાવનાઓ હોય છે. પશુઓ ક્યારેય આર્થિક દેવું, સામાજિક બદનામી, માનસિક પ્રતાડના, વિશ્વાસઘાત કે અન્યાયનો ભોગ બનતા નથી. વૃક્ષો પાનખર જરૂર અનુભવે છે, પણ વૃક્ષો પાસે સામાજિક સંબંધો કે ડિપ્રેશન (Depression) જેવી કોઈ સ્થિતિ હોતી નથી. તેથી, પશુ કે વનસ્પતિની તુલના માણસના તૂટેલા મન સાથે કઈ રીતે થઈ શકે?

દરેક વ્યક્તિની માનસિક ક્ષમતા અને મુશ્કેલીઓ સામે લડવાની સહનશક્તિ એકસરખી નથી હોતી. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના જીવનના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી હોય, અને તે સમયે તેને પોતાના સગા-વહાલાં, મિત્રો કે સમાજનો સાથ-સહકાર ન મળે, ત્યારે એ સાવ એકલી પડી જાય છે. એ એકલતા માણસને અંદરથી કોતરી ખાય છે. જે સમાજ મુશ્કેલીના સમયે હાથ પકડવા તૈયાર નથી હોતો, તેને એ વ્યક્તિના ગયા પછી તેને ‘કાયર’ કહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી.

આપણી આસપાસ એવા હજારો દાખલા છે જ્યાં નિર્દોષ વ્યક્તિને ખોટી રીતે ફસાવવામાં આવી હોય, અથવા તો કાયદાકીય અને સામાજિક સ્તરે તેને એટલો ત્રાસ આપવામાં આવ્યો હોય કે તેનો શ્વાસ રૂંધાવા લાગે. જ્યારે ગુનેગારો છડેચોક ફરતા હોય અને પીડિત વ્યક્તિને કાયદાકીય ન્યાય પણ ન મળે, ત્યારે ન્યાય મેળવવાની એ લાંબી અને થકવી દેનારી લડાઈમાં વ્યક્તિ સંપૂર્ણપણે ભાંગી પડે છે. એ સમયે સિસ્ટમ સામે ઘૂંટણ ટેકી દેવા એ કાયરતા નથી, પણ વ્યવસ્થાની નથરાળતા સામેનો આક્રોશ અને પરમ લાચારી છે.

જ્યારે કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે છે ને, ત્યારે ખરેખર એ વ્યક્તિ પોતે નથી મરતી… પણ તેની અંદર રહેલી જીવવાની આશા, તેનો લોકો પરથી ઉઠી ગયેલો વિશ્વાસ અને તેનો આખરી સહારો મરી પરવારે છે. એ ક્ષણે તેને કાયર કહેવાને બદલે એ વિચારવાની જરૂર છે કે—આપણે એક સમાજ તરીકે ક્યાં કાચા પડ્યા કે આપણી વચ્ચે જીવતો જાગતો માણસ આટલો એકલો પડી ગયો?

અંતમાં એટલું જ કહીશ…

આત્મહત્યા કરનાર વ્યક્તિ ગુનેગાર કે કાયર નથી, પરંતુ તે આપણી સામાજિક સંવેદનશીલતા અને ન્યાય પ્રણાલીની નિષ્ફળતાનો ભોગ બનેલી એક કમનસીબ વ્યક્તિ છે. આજે દુનિયામાં સમ્યક સમજ અને ધીરજની સાથે-સાથે એકબીજાને સાંભળવાની અને કોઈના માનસિક દર્દને સમજવાની સહાનુભૂતિ (Empathy) ખૂટી પડી છે.

જો ખરેખર આવી ઘટનાઓ અટકાવવી હોય, તો મરનારને કાયર કહીને નકારવાને બદલે, જીવતા માણસના સંઘર્ષમાં તેની પડખે ઊભા રહેતા શીખવું પડશે. માણસને ઉપદેશની નહીં, ‘હું બેઠો છું’ એવા એક આશ્વાસનની જરૂર હોય છે.

Back to top button
error: Content is protected !!