SUREDRANAGAR:પોલીસ રક્ષક કે ભક્ષક? સુરેન્દ્રનગરના કોંઢ ગામે પોલીસનો મોટો કાફલો ઉતારી ખેડૂતો પર તાનાશાહી







SUREDRANAGAR:પોલીસ રક્ષક કે ભક્ષક? સુરેન્દ્રનગરના કોંઢ ગામે પોલીસનો મોટો કાફલો ઉતારી ખેડૂતો પર તાનાશાહી



સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામની સીમમાં પાવરગ્રીડ કોર્પોરેશનની 765 KV હાઈટેન્શન લાઈનની કામગીરીને લઈને તંત્ર અને ખેડૂતો સામસામે આવી ગયા છે. આજે આ કામગીરી માટે ખેતરોમાં ૨૦૦ થી ૩૦૦ જેટલા પોલીસ જવાનોનો મોટો કાફલો તૈનાત કરી દેવામાં આવતા ભારે તણાવની સ્થિતિ સર્જાઈ હતી. ગુજરાત કિશાન સંઘર્ષ સમિતિએ આ મામલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, પોલીસની ફરજ કંપનીના કર્મચારીઓને રક્ષણ આપવાની હોય છે, બળજબરીપૂર્વક કામગીરી કરાવવામાં મદદ કરવાની નહીં.
ખાનગી મિલકતમાં તોડફોડથી ખેડૂતોમાં રોષ સૌથી ગંભીર અને ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ખેડૂતોના ખેતર અને વાડીઓના ગેટ પર મારેલા તાળા તોડી નાખવામાં આવ્યા હતા. તંત્રની આ હિલચાલને પગલે સ્થાનિક ખેડૂતો અને આગેવાનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

ખેડૂત નેતા મહેશ રાજકોટિયાના આકરા સવાલો
આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢતા ખેડૂત નેતા મહેશ રાજકોટિયાએ તંત્ર સામે સીધા સવાલો દાગ્યા છે:
”ખેડૂતના ખેતરના ગેટનું તાળું તોડવાનો અધિકાર પોલીસને કોણે આપ્યો? આવી તાનાશાહી ક્યાં સુધી ચલાવી લેવાશે? પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે હોય છે, દાદાગીરી કરવા માટે નહીં. ખાનગી મિલકતને નુકસાન પહોંચાડવું એ કયા કાયદામાં લખ્યું છે? આ અન્યાય ક્યાં સુધી સહન કરવાનો?” કાયદાકીય સ્થિતિ અને ખેડૂતોનો પક્ષ
ગુજરાત કિશાન સંઘર્ષ સમિતિએ આ ઘટનાને કાયદાનું ઉલ્લંઘન ગણાવતા નીચે મુજબના મુદ્દા રજૂ કર્યા છે:
સંવિધાનનો ભંગ: ભારતના સંવિધાનની કલમ 300A હેઠળ કાયદાની યોગ્ય પ્રક્રિયા વગર કોઈની પણ ખાનગી મિલકતમાં પ્રવેશ કરવો કે તેને નુકસાન પહોંચાડવું એ ગેરકાયદેસર છે.
પોલીસની ભૂમિકા: પોલીસ અધિનિયમ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ અનુસાર પોલીસની ફરજ માત્ર શાંતિ જાળવવાની છે. ખાનગી કંપનીના કામ માટે ખેડૂતો પર બળપ્રયોગ કરવો એ પોલીસના અધિકારક્ષેત્રમાં આવતું નથી.ટેલિગ્રાફ એક્ટ 1885: આ કાયદા હેઠળ પણ જિલ્લા મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી અને ખેડૂતને પૂરતું વળતર ચૂકવ્યા વગર ખેતરમાં બળપૂર્વક પ્રવેશ કરવો ગુનો બને છે.

ગ્રામસભાની અવગણના: કોંઢ ગ્રામસભાની પૂર્વ મંજૂરી લીધા વિના જ આ કામગીરી શરૂ કરી દેવાઈ છે, જે પંચાયત અધિનિયમનો સીધો ભંગ છે.ખેડૂતોની મુખ્ય માંગણીઓ
ખેડૂત સંગઠનો અને સ્થાનિકોએ વહીવટી તંત્ર સમક્ષ સ્પષ્ટ માંગ કરી છે કે:૧. ખેડૂતોની વાડીના તાળા તોડવાની આ ગંભીર ઘટનાની તાત્કાલિક ન્યાયિક તપાસ કરવામાં આવે.
૨. કાયદો હાથમાં લેનારા અને સત્તાનો દુરુપયોગ કરનારા જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય તેમજ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે.આ ઘટનાને પગલે સમગ્ર સુરેન્દ્રનગર પંથકના ખેડૂતોમાં વહીવટી તંત્ર અને પોલીસની કામગીરી સામે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.




