MORBI:મોરબીના જિલ્લા કલેક્ટર તરીકે સ્વપ્નિલ ખરેએ પદભાર સંભાળ્યો







MORBI:મોરબીના જિલ્લા કલેક્ટર તરીકે સ્વપ્નિલ ખરેએ પદભાર સંભાળ્યો


મહેસૂલી કામગીરીમાં પારદર્શિતા, વિભાગો વચ્ચે સંકલન અને વિકાસ કામોને વેગ આપવો એ મુખ્ય પ્રાથમિકતા રહેશે: કલેક્ટરશ્રી

૨૦૧૭ બેચના આઈએએસ અધિકારી અને આઈ.આઈ.ટી. દિલ્હીના સ્નાતકશ્રી સ્વપ્નિલ ખરેએ મોરબી મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર તરીકે પણ આપી છે સફળ સેવા

મોરબી જિલ્લાના નવા કલેક્ટર તરીકે ૨૦૧૭ની બેચના કર્મઠ આઈએએસ (IAS) અધિકારી શ્રી સ્વપ્નિલ ખરેએ વિધિવત રીતે કાર્યભાર સંભાળી લીધો છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી તાજેતરની બદલીઓમાં મોરબીના કલેક્ટર તરીકે શ્રી સ્વપ્નિલ ખરેની નિમણૂક કરવામાં આવી છે. નવયુવાન અને અભ્યાસુ વ્યક્તિત્વ ધરાવતા શ્રી સ્વપ્નિલ ખરેએ પદભાર સંભાળતાની સાથે જ જિલ્લાના સર્વાંગી વિકાસ માટેની પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
મૂળ મધ્યપ્રદેશના ભોપાલના વતનીશ્રી સ્વપ્નિલ ખરેએ દેશની પ્રતિષ્ઠિત સંસ્થા આઈ.આઈ.ટી. (IIT) દિલ્હી ખાતેથી સિવિલ એન્જિનિયરિંગમાં બી.ટેકની પદવી પ્રાપ્ત કરી છે. વહીવટી સેવામાં જોડાયા બાદ તેઓએ સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોબેશનર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ પાટણમાં ફરજ બજાવ્યા બાદ બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી (DDO) અને રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર તરીકે કામગીરી કરી છે. ઉલ્લેખનીય છે કે, તેઓએ મોરબી મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર તરીકે પણ સેવાઓ આપી હોવાથી તેઓ મોરબીના ભૌગોલિક અને વહીવટી પ્રશ્નોથી સુપેરે પરિચિત છે.

જિલ્લા કલેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ શ્રી સ્વપ્નિલ ખરેએ પોતાની પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, જિલ્લામાં મહેસૂલી કામગીરી વધુ સુદ્રઢ અને ન્યાયિક રીતે થાય તે દિશામાં સક્રિય પ્રયાસો કરવામાં આવશે. વહીવટી તંત્રના તમામ વિભાગો વચ્ચે યોગ્ય સંકલન સાધી કામગીરીમાં આદર્શ સમન્વય સ્થાપવામાં આવશે તેમજ જિલ્લામાં ચાલી રહેલા વિકાસના કામો ગુણવત્તા સાથે ઝડપથી પૂર્ણ થાય તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવશે.
કલેક્ટર કચેરી ખાતે આગમન સમયે નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે. ખાચર સહિત જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી નવનિયુક્ત કલેક્ટરશ્રીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.



