TANKARA:સૌરાષ્ટ્ર-કચ્છમાં હાઈકોર્ટ બેંચની માંગ વધુ તીવ્ર: ટંકારા વકીલ મંડળોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

TANKARA:સૌરાષ્ટ્ર-કચ્છમાં હાઈકોર્ટ બેંચની માંગ વધુ તીવ્ર: ટંકારા વકીલ મંડળોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
રાજકોટ ખાતે ગુજરાત હાઈકોર્ટની બેંચ સ્થાપવાની વર્ષો જૂની માંગણીને સબળ બનાવવાના ભાગરૂપે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના વકીલ મંડળોએ એકસૂર થઈને વિરોધનો સૂર બુલંદ કર્યો છે. રાજકોટ બાર એસોસિએશનની આગેવાની હેઠળ ગત તારીખ ૨૫/૦૭/૨૦૨૬ ના રોજ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લા અને તાલુકા બાર એસોસિએશનના પ્રમુખો, સેક્રેટરીઓ તેમજ હાઈકોર્ટ બેંચ કમિટીના સિનિયર એડવોકેટ્સની એક મહત્ત્વની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ઉપસ્થિત તમામ પ્રતિનિધિઓની સર્વસંમતિ અને સૂચનોને ધ્યાને રાખીને તારીખ ૨૯/૦૭/૨૦૨૬ ને બુધવારના રોજ સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છની તમામ અદાલતોમાં એક દિવસની પ્રતિક હડતાલ પાડવાનો આહ્વાન કરવામાં આવ્યો છે.
ટંકારા બાર એસોસિએશનનું સમર્થન અને નિર્ણયો: રાજકોટ ખાતે લેવાયેલા નિર્ણયના સમર્થનમાં ટંકારા બાર એસોસિએશન દ્વારા પણ સર્વાનુમતે નીચે મુજબના નિર્ણયો લેવામાં આવ્યા છે: કોર્ટ કામગીરીથી અલિપ્તતા: ટંકારાના તમામ વકીલશ્રીઓ ૨૯ જુલાઈ ૨૦૨૬ના રોજ અરજન્ટ કાર્યવાહી સિવાયની અદાલતી કામગીરીથી સંપૂર્ણપણે અલિપ્ત રહેશે.
આવેદનપત્ર પાઠવવામાં આવશે: હાઈકોર્ટ બેંચ રાજકોટ ખાતે ફાળવવામાં આવે તે માટે વકીલ મંડળ દ્વારા સ્થાનિક મામલતદારશ્રી/ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવશે.
પક્ષકારોના હિત રક્ષણ માટે વિનંતી: ટંકારા મામલતદાર સાહેબની કોર્ટમાં ચાલતા પેન્ડિંગ કેસોમાં વકીલશ્રીઓની ગેરહાજરીના કારણે અરજદારો/પક્ષકારોને કોઈ આર્થિક કે કાનૂની નુકસાન ન થાય તે માટે કેસની પરિસ્થિતિ યથાવત રાખવા (Status Quo) અને કોઈ વિપરીત હુકમ ન ફરમાવવા વકીલ મંડળ દ્વારા નમ્ર વિનંતી કરવામાં આવી છે.વકીલ આલમના આ કડક વલણને કારણે ન્યાયિક કામગીરી પર અસર જોવા મળશે, જોકે વકીલોના મતે સૌરાષ્ટ્ર-કચ્છના લાખો અરજદારોને સ્થાનિક સ્તરે ઝડપી અને સસ્તો ન્યાય મળે તે માટે આ લડત અત્યંત જરૂરી છે.










