TANKARA:ટંકારાના સરાયા ગામે પત્નીની ઇંટો મારી હત્યા કરનાર પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ







TANKARA:ટંકારાના સરાયા ગામે પત્નીની ઇંટો મારી હત્યા કરનાર પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ


ટંકારા તાલુકાના સરાયા ગામની સીમમાંથી એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. અહીં ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના એક શ્રમિકે પત્નીના ચરિત્ર પર વહેમ રાખીને તેની નિર્મમ હત્યા કરી નાખી છે. આરોપી પતિએ ઉશ્કેરાઈને પત્નીના મોઢા અને માથાના ભાગે ઇંટોના ઉપરાઉપરી ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધી હોવાની ફરિયાદ ટંકારા પોલીસ મથકે નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, ટંકારા તાલુકાના સરાયા ગામે રહેતા અને ખેતીકામ કરતા અનિલભાઈ જશમતભાઈ ઢેઢી (ઉં.વ. ૪૨) નામના ખેડૂતે ટંકારા પોલીસ સ્ટેશનમાં આરોપી લક્ષ્મણભાઈ રેવસીંગ કતિજા (મૂળ રહે. મધ્યપ્રદેશ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
અનિલભાઈની વાડીમાં મૂળ એમ.પી.નો ભીલ સમાજનો આ પરિવાર ખેતમજૂરી અર્થે રહેતો હતો. આરોપી લક્ષ્મણભાઈને તેની પત્ની રુકમાબેન (ઉં.વ. આશરે ૪૩) ને અન્ય કોઈ વ્યક્તિ સાથે આડા સંબંધો હોવાની શંકા હતી. આ બાબતનો વહેમ મનમાં રાખીને પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.
આ જ ચરિત્રની શંકાના વહેમમાં ઉશ્કેરાયેલા આરોપી લક્ષ્મણ કતિજાએ રુકમાબેન પર જીવલેણ હુમલો કર્યો હતો. તેણે નિર્દયતાની હદ વટાવી પત્નીના માથા તેમજ મોઢાના ભાગે ઇંટ જેવી બોથડ વસ્તુના ઉપરાઉપરી ઘા મારી દીધા હતા. ગંભીર ઈજાઓ થવાના કારણે રુકમાબેનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ ટંકારા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. વાડીમાલિક અનિલભાઈ પટેલની ફરિયાદના આધારે પોલીસે આરોપી લક્ષ્મણ કતિજા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



