TANKARA:ટંકારા મર્ડર કેસ: વાડીમાં મજૂરી કરતા યુવકની હત્યા કરનાર આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો




TANKARA:ટંકારા મર્ડર કેસ: વાડીમાં મજૂરી કરતા યુવકની હત્યા કરનાર આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો

ટંકારા તાલુકાના નસીતપર ગામે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે, જ્યાં નજીવી બાબતે થયેલા ઝઘડામાં એક મિત્રએ જ બીજા મિત્રની લાકડાના ધોકા ફટકારીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. જો કે, ઘટનાની ગંભીરતાને જોઈને ટંકારા પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી ગણતરીના કલાકોમાં જ ફરાર આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે.

મળતી માહિતી મુજબ, નસીતપર ગામે આવેલી અશોકસિંહ હનુભા ઝાલાની વાડીમાં રવિભાઈ બાબુભાઈ ચોરાસા (રહે. મોરબી) ખેતમજૂરી કામ કરતા હતા. ગત તારીખ ૨૮/૦૬/૨૦૨૬ના રોજ રાત્રિના આશરે દસેક વાગ્યાના અરસામાં રવિભાઈ અને તેમનો મિત્ર અનિલ અશ્વિનભાઈ મકવાણા (રહે. મોરબી) બંને વાડીએ સાથે બેઠા હતા.આ દરમિયાન અનિલ મકવાણાનું પાકીટ રવિભાઈ ચોરાસાએ લઈ લીધું હોવાની શંકા રાખીને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે અનિલ મકવાણાએ આવેશમાં આવીને રવિભાઈને લાકડાના ધોકા વડે શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ગંભીર ઈજાઓના કારણે રવિભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને આરોપી અનિલ હત્યા કરીને ત્યાંથી નાસી છૂટ્યો હતો.હત્યાના આ ગંભીર ગુના અંગે ટંકારા પોલીસને જાણ થતા જ પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના અને માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આરોપીને પકડી પાડવા માટે પોલીસે હ્યુમન સોર્સ અને ખાનગી બાતમીદારોની મદદ લીધી હતી.પોલીસની સચોટ કાયદાકીય તપાસ અને બાતમીના આધારે ગણતરીના કલાકોમાં જ મર્ડરના આરોપી અનિલ અશ્વિનભાઈ મકવાણાને અટકાયત કરી લેવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી ગુનામાં વપરાયેલ લાકડાનો ધોકો પણ કબજે કર્યો છે. હાલ પોલીસે જરૂરી પુરાવા એકત્રિત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાકીટ ચોરી જેવી નજીવી બાબતમાં થયેલી આ હત્યાના પગલે પંથકમાં ચકચાર મચી ગઈ છે.



