MORBI:મોરબી વીજલાઇન મુદ્દે જેતપરના ખેડૂતોની લડત તેજ; આજે રાષ્ટ્રીય કિસાન નેતા ગુરનામ સિંહ ચઢૂની મુલાકાત લેશે




MORBI:મોરબી વીજલાઇન મુદ્દે જેતપરના ખેડૂતોની લડત તેજ; આજે રાષ્ટ્રીય કિસાન નેતા ગુરનામ સિંહ ચઢૂની મુલાકાત લેશે

મોરબીના જેતપર વીજલાઇનના ન્યાયિક મુદ્દે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહેલા જેતપરના ખેડૂતોના આંદોલનને હવે રાષ્ટ્રીય સ્તરેથી મોટું સમર્થન મળવા જઈ રહ્યું છે. ખેડૂતોની આ ન્યાયની લડાઈને વેગ આપવા માટે ભારતીય કિસાન યુનિયન (ચઢૂની)ના રાષ્ટ્રીય અધ્યક્ષ સરદાર ગુરનામ સિંહ ચઢૂની આજે ખાસ જેતપર આવી પહોંચશે.

મળતી માહિતી મુજબ, રાષ્ટ્રીય કિસાન નેતા સરદાર ગુરનામ સિંહ ચઢૂની તા. 04 જુલાઈના રોજ રાત્રે 9:00 વાગ્યે જેતપર ખાતે કાર્યરત ઉપવાસ છાવણીની રૂબરૂ મુલાકાત લેશે. તેઓ અહીં લાંબા સમયથી ધરણા પર બેઠેલા આંદોલનકારી ખેડૂતોને મળશે, તેમની સમસ્યાઓ સાંભળશે અને આ લડતને પોતાનું પૂર્ણ સમર્થન જાહેર કરશે.
ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ: દેશના અગ્રણી કિસાન નેતાના આગમનના સમાચાર મળતા જ આંદોલન ચલાવી રહેલા સ્થાનિક ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જેતપર વિસ્તારમાં વીજલાઇન પસાર કરવાના મુદ્દે ખેડૂતો અને તંત્ર વચ્ચે લાંબા સમયથી ગજગ્રાહ ચાલી રહ્યો છે. પોતાના હક્ક અને યોગ્ય વળતર અથવા વૈકલ્પિક માર્ગની માંગ સાથે ખેડૂતો મક્કમતાથી ઉપવાસ છાવણી નાખીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.સરદાર ગુરનામ સિંહ ચઢૂનીના આગમનથી જેતપરના આ સ્થાનિક આંદોલનને હવે રાષ્ટ્રીય સ્તરનું પીઠબળ મળશે. આ મુલાકાત બાદ ખેડૂતો આગામી દિવસોમાં પોતાની રણનીતિ વધુ આક્રમક બનાવે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે, જેને પગલે વહીવટી તંત્રની ચિંતામાં પણ વધારો થઈ શકે છે.


