HALVAD:હળવદના જૂના ઈશનપુર ગામમાં નશાખોર પુત્રનો આતંક

HALVAD:હળવદના જૂના ઈશનપુર ગામમાં નશાખોર પુત્રનો આતંક: પિતા-પરિવારને ગાળો આપી બહેન પર લાકડાના ધોકાથી હુમલો, પોલીસ ફરિયાદ દાખલ
હળવદ તાલુકાના જૂના ઈશનપુર ગામે દારૂના નશામાં ધૂત પુત્રએ પરિવાર સાથે અસહ્ય વર્તન કરી, પોતાની જ બહેન પર લાકડાના ધોકા વડે પ્રાણઘાતક હુમલો કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે પિતાએ નશાખોર પુત્ર વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે.
મળતી વિગતો અનુસાર, જૂના ઈશનપુર ગામે રહેતા છનાભાઈ કાનાભાઈ મકવાણા (ઉં.વ. ૬૩) નામના વૃદ્ધે પોતાના પુત્ર પરાક્રમ ઉર્ફે પ્રકાશ છનાભાઈ મકવાણા સામે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવાયા મુજબ, આરોપી પરાક્રમ ઉર્ફે પ્રકાશ પિતાના કહ્યામાં રહેતો ન હતો અને અવારનવાર ઘરેથી પૈસા વાપરવા બાબતે તકરાર કરતો હતો. પિતા પૈસા આપવાની ના પાડે તો ઘરમાં રહેલા દાગીના તેમજ વાહન વેચી નાખવાની અથવા તો પોતે આપઘાત કરી લેવાની ધમકીઓ આપતો હતો.
ઘટનાના દિવસે આરોપીએ દારૂના નશામાં ધૂત થઈને જાહેરમાં અશ્લીલ હરકતો કરી પિતા અને પરિવારજનોને ભૂંડી ગાળો આપી હતી. એટલું જ નહીં, તેણે ઉશ્કેરાઈને પોતાની બહેન જ્યોતિબેન પર લાકડાના ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો.આ અંગે ભોગ બનનાર પિતાની ફરિયાદના આધારે હળવદ પોલીસે આરોપી પુત્ર વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








