VADODARA:વડોદરાનો ચકચારી કેસ: રૂ. ૧ લાખની બનાવટી નોટો અને ATM માં જમા કરાવવાના કૌભાંડમાં આરોપીને મળ્યા શરતી જામીન




VADODARA:વડોદરાનો ચકચારી કેસ: રૂ. ૧ લાખની બનાવટી નોટો અને ATM માં જમા કરાવવાના કૌભાંડમાં આરોપીને મળ્યા શરતી જામીન

એડવોકેટ હિમશીખા એમ. રાઠોડની ધારદાર દલીલો અને ઉચ્ચ અદાલતોના ચુકાદાઓને આધારે કોર્ટે આરોપી નં. ૩ ના શરતી જામીન મંજૂર કર્યા
વડોદરા:તાજેતરમાં વડોદરા શહેરમાં ગાજેલા રૂ. ૧,૦૦,૦૦૦/- ની ડુપ્લીકેટ ચલણી નોટો કબજે કરવાના તેમજ આ બનાવટી નોટોને એ.ટી.એમ. (ATM) મશીનમાં જમા કરાવવાના ચકચારી કેસમાં વડોદરાની છઠ્ઠા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપીને જામીન મુક્ત કરવાનો મહત્વનો હુકમ કર્યો છે.

કેસની મળતી વિગતો અનુસાર, વડોદરાની દુગારી શાખાની બેંકના એ.ટી.એમ. મશીનમાં એક અજાણ્યા ઇસમે પ્રવેશ કરી ડુપ્લીકેટ ચલણી નોટો જમા કરાવવાનો પ્રયાસ કર્યો હતો. નોટો જમા થયા બાદ તે બનાવટી હોવાનું સામે આવતા બેંક મેનેજર દ્વારા તુરંત અજાણ્યા ઇસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ વડોદરા એસ.ઓ.જી. (SOG) દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસની ટીમે બનાવટી નોટોના માસ્ટરમાઇન્ડને રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો. આ સિવાય અન્ય ૬ આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી, જેઓ પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તમામ આરોપીઓ પાસેથી ડુપ્લીકેટ ચલણી નોટો કબજે કરી ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૭૮, ૧૭૯, ૧૮૦, ૬૧ વગેરે મુજબ ગુનો નોંધી તેઓને કોર્ટમાં રજૂ કરી જેલહવાલે કર્યા હતા.
દરમિયાન, આ કેસના આરોપી નંબર ૩ ની જામીન અરજી નામદાર વડોદરાની છઠ્ઠા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આરોપી તરફે વિદ્વાન ધારાશાસ્ત્રી હિમશીખા એમ. રાઠોડ રોકાયા હતા. જામીન અરજીની સુનાવણી વખતે એડવોકેટ હિમશીખા એમ. રાઠોડે નામદાર સુપ્રીમ કોર્ટ તેમજ વિવિધ હાઇકોર્ટના મહત્વના ચુકાદાઓ ટાંકીને ધારદાર અને કાયદાકીય દલીલો રજૂ કરી હતી.
અદાલતે બંને પક્ષોની રજૂઆતો, પુરાવાઓ અને સંજોગોને ધ્યાને રાખીને એડવોકેટ હિમશીખા એમ. રાઠોડની દલીલો ગ્રાહ્ય રાખી હતી અને આરોપીને શરતી જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો.


