MORBI:સેવા સમર્પણ, લક્ષ્ય નિરામય; મોરબી જિલ્લાના વેજલપર આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર

MORBI:સેવા સમર્પણ, લક્ષ્ય નિરામય; મોરબી જિલ્લાના વેજલપર આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર
કેન્દ્ર સરકારના કડક ગુણવત્તા માપદંડોમાં મોરબીનું ગ્રામ્ય આરોગ્ય કેન્દ્ર ખરું ઊતર્યું; ૮૮.૫૩ % ગુણ સાથે અગ્રેસર
માતૃત્વ સેવાઓ, શિશુ સ્વાસ્થ્ય અને કુપોષણ નિવારણ સહિતની ૧૨ મહત્વપૂર્ણ સેવાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શનની રાષ્ટ્રીય સ્તરે લેવાઈ નોંધ
મોરબી જિલ્લાના જાહેર આરોગ્ય ક્ષેત્રે વધુ એક સુવર્ણ સિદ્ધિનો ઉમેરો થયો છે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા અમલમાં મૂકાયેલા National Quality Assurance Standards (NQAS) હેઠળ મોરબી જિલ્લામાં માળીયા તાલુકાના વેજલપર આયુષ્માન આરોગ્ય મંદિરને રાષ્ટ્રીય સ્તરે ગુણવત્તા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. આયુષ્માન આરોગ્ય મંદિર વેજલપર એ ગુણવત્તાના આકરા માપદંડોમાં શ્રેષ્ઠતા સિદ્ધ કરી છે.
ભારતમાં સરકારી આરોગ્ય સંસ્થાઓ માટે NQAS એ ગુણવત્તાનું સર્વોચ્ચ માપદંડ માનવામાં આવે છે. આ સર્ટિફિકેશન મેળવવા માટે આરોગ્ય કેન્દ્રોએ જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવતા અત્યંત કડક મૂલ્યાંકનમાંથી પસાર થવું પડે છે. રાષ્ટ્રીય કક્ષાના એસેસરો દ્વારા હાથ ધરાયેલી આ તપાસમાં સેવા પ્રદાન, દર્દીના અધિકારો, ક્લિનિકલ કેર, સંસ્થાની સ્વચ્છતા અને સ્ટાફની કાર્યક્ષમતા જેવા વિવિધ પાસાઓનું સૂક્ષ્મ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મૂલ્યાંકનમાં વેજલપર આયુષ્માન આરોગ્ય મંદિર ૮૮.૫૩ % જેટલા ગુણ મેળવી રાષ્ટ્રીય સ્તરે ઝળક્યું છે.
આયુષ્માન આરોગ્ય મંદિર યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારના લોકોને ઘરઆંગણે જ ઉચ્ચ ગુણવત્તાયુક્ત સારવાર મળી રહે તે માટે તંત્ર કટિબદ્ધ છે. આ બંને કેન્દ્રોમાં માતૃત્વ સેવાઓ, શિશુ અને બાળ આરોગ્ય, કુપોષણ નિવારણ, કુટુંબ કલ્યાણ તેમજ ચેપી અને બિન-ચેપી રોગોના નિદાન અને સારવાર જેવી ૧૨ જેટલી પાયાની સેવાઓ ઉપલબ્ધ છે. વધુમાં, ઇમરજન્સી સેવાઓ, માનસિક સ્વાસ્થ્ય માર્ગદર્શન અને આયુષ-યોગ પદ્ધતિ જેવી વિશિષ્ટ સેવાઓની ઉપલબ્ધતાને કારણે નાગરિકોને નજીકમાં જ સુરક્ષિત અને દર્દી-કેન્દ્રિત આરોગ્ય સેવાઓ પ્રાપ્ત થઈ રહી છે.
આ ઐતિહાસિક સિદ્ધિ બદલ જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિદ્યાસાગર એ જિલ્લા આરોગ્ય તંત્ર અને બંને કેન્દ્રોના સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે અને આ પ્રમાણપત્રને ગ્રામ્ય સ્તરે ગુણવત્તાસભર સેવાઓ આપવાના પ્રયત્નોની માન્યતા ગણાવી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. પી.કે. શ્રીવાસ્તવ અને જિલ્લા ક્વોલિટી એશ્યોરન્સ મેડિકલ ઓફિસર ડો. હાર્દિક રંગપરિયાએ માળિયાના તાલુકા આરોગ્ય અધિકારી ડો. ડી.જી. બાવરવા, મેડિકલ ઓફિસર ડો. ઉર્જા ગોપાણી, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ટ્વિન્કલ કણસાગરા તેમજ તમામ સ્થાનિક સ્ટાફને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આ સફળતા કર્મચારીઓના સમર્પણનું પરિણામ છે અને આગામી સમયમાં જિલ્લાની વધુ આરોગ્ય સંસ્થાઓ આ સન્માન મેળવે તે દિશામાં પ્રયત્નો ચાલુ રહેશે.











