MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી બાઈકનું હેન્ડલ જેકેટમાં ફસાઈ જવાની સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે હિંસક અથડામણ; સામસામી ફરિયાદ

MORBI:મોરબી બાઈકનું હેન્ડલ જેકેટમાં ફસાઈ જવાની સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે હિંસક અથડામણ; સામસામી ફરિયાદ

 

મોરબી: શહેરના ભરચક વિસ્તાર એવા નગરદરવાજા પાસે મીનાક્ષી મોબાઈલ નામની દુકાન નજીક એક સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. બાઈકનું હેન્ડલ જેકેટમાં ફસાઈ જવા જેવી નજીવી બાબતે થયેલી આ માથાકુટમાં બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રથમ પક્ષની ફરિયાદ:પીપળી રોડ પર શિવપાર્ક સોસાયટી-૨ માં રહેતા દેવજીભાઈ બીજલભાઈ રાઠોડ (ઉ.વ.૩૯) એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ જ્યારે પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપી વિષ્નારામ પ્રજાપતિ (રહે. રાજસ્થાન, હાલ આશાપુરા મોબાઈલમા નોકરી કરે છે) પોતાનું બાઈક (નંબર RJ-04-SV-1015) રોંગ સાઈડમાં લાવ્યો હતો.

બાઈકનું હેન્ડલ દેવજીભાઈના બ્લુ કલરના બ્લેઝરમાં ફસાઈ જતા, તેમણે બાઈક જોઈને ચલાવવા બાબતે ઠપકો આપ્યો હતો. આ વાતથી ઉશ્કેરાઈને વિષ્નારામે જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો કહી, ગાળાગાળી કરી અને દેવજીભાઈને ધક્કો મારી પછાડી દીધા હતા. આ ઝપાઝપીમાં દેવજીભાઈની આંગળીમાં ફ્રેક્ચર જેવી ઈજા પહોંચી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

સામા પક્ષની ફરિયાદ: મારપીટ અને ૨ લાખની ખંડણીની માંગ બીજી તરફ, મૂળ રાજસ્થાનના વતની અને હાલ વાવડી રોડ પર રહેતા યશકુમાર મગનારામ પ્રજાપતિ (ઉ.વ.૧૯) એ દેવજીભાઈ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. યશકુમારના જણાવ્યા અનુસાર, તેમનો ભાણેજ વિષ્નારામ જ્યારે બાઈક દોરાવીને ગલીમાં મુકવા જતો હતો, ત્યારે દેવજીભાઈ સામેથી દોડીને આવતા હેન્ડલ તેમના શર્ટમાં ફસાઈ ગયું હતું.

આક્ષેપ મુજબ, દેવજીભાઈએ વિષ્નારામ સાથે ગાળાગાળી કરી, થપ્પડો મારી અને શર્ટનો કોલર પકડી નીચે પછાડી દીધો હતો. વધુમાં યશકુમારે આક્ષેપ કર્યો છે કે, દેવજીભાઈએ સમાધાન પેટે રૂપિયા ૨ લાખની માંગણી કરી હતી અને જો પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

નગરદરવાજા જેવા જાહેર વિસ્તારમાં થયેલી આ માથાકુટને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. હાલમાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!