WAKANER:વાંકાનેરના કાછીયાગાળા ગામે બાજરીના ડાંડર વાઢવા બાબતે આધેડ પર લાકડીઓ વડે જીવલેણ હુમલો







WAKANER:વાંકાનેરના કાછીયાગાળા ગામે બાજરીના ડાંડર વાઢવા બાબતે આધેડ પર લાકડીઓ વડે જીવલેણ હુમલો


વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામે જમીનમાં બાજરીના ડાંડર વાઢવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીનું મનદુઃખ રાખીને બે શખ્સોએ એક આધેડને રસ્તામાં આંતરી લાકડીઓ વડે બેફામ માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, કાછીયાગાળા ગામે રહીને ખેતીકામ કરતા ૫૫ વર્ષીય ગોરધનભાઈ માવજીભાઈ સાપરાની જમીનમાં બાજરીનું વાવેતર કરવામાં આવ્યું છે. ગામના જ આરોપી ગોપાલભાઈ પેથાભાઈ જોગરાણા તેમની બહેન સાથે ગોરધનભાઈની જમીનમાંથી બાજરીના ડાંડર વાઢવા માટે ગયા હતા. જોકે, અગાઉ થયેલી બોલાચાલીના કારણે ગોરધનભાઈએ તેમને ડાંડર વાઢવાની ના પાડી દીધી હતી. આ બાબતનું મનદુઃખ રાખીને આરોપી ગોપાલભાઈએ ગોરધનભાઈને “તમારી સાંજ નહીં પડવા દઉં” તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યાંથી ચાલ્યા ગયા હતા.
ત્યારબાદ ગોરધનભાઈ ખેતીકામના અર્થે બાજુના દલડી ગામે ગયા હતા. સાંજના સમયે જ્યારે તેઓ દલડી ગામથી પરત ફરી રહ્યા હતા, ત્યારે દલડી ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ નજીક આરોપી ગોપાલભાઈએ અન્ય એક આરોપી ભુરાભાઈ ભવાનભાઈ જોગરાણાને ત્યાં બોલાવી લીધો હતો.
બંને આરોપીઓએ ભેગા મળીને ગોરધનભાઈને રસ્તામાં જ આંતરી લીધા હતા અને લાકડીઓ વડે તેમના શરીર તેમજ માથાના ભાગે બેફામ માર મારવાનું શરૂ કર્યું હતું. હુમલા દરમિયાન આરોપીઓએ આધેડને ભૂંડી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી.
આ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા ગોરધનભાઈ સાપરાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી ગોપાલભાઈ પેથાભાઈ જોગરાણા અને ભુરાભાઈ ભવાનભાઈ જોગરાણા વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



