WAKANER:વરસાદી સંકટમાં વાંકાનેર નગરપાલિકા બની જનસેવાની ઢાલ, વિદ્યાર્થીઓને સુરક્ષિત ઘરે પહોંચાડ્યા અને પાણીનો તાત્કાલિક નિકાલ કર્યો

WAKANER:વરસાદી સંકટમાં વાંકાનેર નગરપાલિકા બની જનસેવાની ઢાલ, વિદ્યાર્થીઓને સુરક્ષિત ઘરે પહોંચાડ્યા અને પાણીનો તાત્કાલિક નિકાલ કર્યો
(વાંકાનેર રીપોર્ટ આરીફ દિવાન)
વાંકાનેર: 23 જુલાઈએ સામાન્ય વરસાદ બાદ 24 જુલાઈએ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં વાંકાનેર શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. પરિસ્થિતિને ધ્યાને લઈ વાંકાનેર નગરપાલિકાનું સમગ્ર તંત્ર એલર્ટ મોડમાં આવી તાત્કાલિક કામગીરીમાં જોડાયું હતું.
ચીફ ઓફિસર ધવલભાઈ વેકરીયાના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાની ટીમે શહેરની વિવિધ શાળાઓમાં પહોંચીને વરસાદના કારણે અટવાયેલા વિદ્યાર્થીઓને પાલિકાના વાહનો મારફતે સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડવાની પ્રશંસનીય કામગીરી કરી હતી. આ માનવતાભરી કામગીરીથી વાલીઓએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં જ્યાં વરસાદી પાણી ભરાયા હતા ત્યાં તાત્કાલિક મશીનરી અને કર્મચારીઓને કામે લગાડી પાણીના ઝડપી નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના કારણે લોકોને પડતી મુશ્કેલીઓમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.આ કામગીરી દરમિયાન ચીફ ઓફિસર ધવલભાઈ વેકરીયા, મહેશભાઈ ચૌહાણ, હાર્દિકભાઈ સરૈયા તેમજ નગરપાલિકાના ડ્રાઈવરો, સફાઈ કર્મચારીઓ અને અન્ય સ્ટાફે સતત મેદાનમાં રહી જવાબદારી પૂર્વક સેવા બજાવી હતી. વરસાદી સંકટની ઘડીએ વાંકાનેર નગરપાલિકાની સમયસરની કામગીરી અને જનહિત પ્રત્યેની પ્રતિબદ્ધતા શહેરના નાગરિકોમાં વિશ્વાસ અને પ્રશંસાનું કારણ બની છે.








