
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ.
કચ્છ, તા.4 : કચ્છ જિલ્લાના અતિ પછાત અને રણ વિસ્તાર તરીકે ઓળખાતા બન્ની વિસ્તારમાં આવેલા જામ કુનરીયા ગામમાં ઉચ્ચ શિક્ષણના અભાવે સ્થાનિક વિદ્યાર્થીઓ, ખાસ કરીને દીકરીઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થ સર્જાયો છે. ગામમાં ધોરણ ૧ થી ૮ માટે પ્રાથમિક શાળા અને ધોરણ ૯ અને ૧૦ માટે માધ્યમિક શાળા ઉપલબ્ધ છે, પરંતુ ધોરણ ૧૦ પછીના ઉચ્ચ અભ્યાસ એટલે કે ધોરણ ૧૧ માટે ગામમાં કોઈ સુવિધા નથી. આના પરિણામે, ચાલુ વર્ષે જ ૪૦ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ ૧૧ નો અભ્યાસ કરી શક્યા નથી, જેમાં ૩૦ તો દીકરીઓ છે.
ગામથી ૨૧ કિલોમીટર દૂર આવેલા ખાવડા ગામે અભ્યાસની સગવડ છે પરંતુ ત્યાં જવા માટે કોઈ સરકારી વાહનની સુવિધા નથી અને ખાનગી વાહનનો ખર્ચ સામાન્ય પરિવારોને પરવડતો નથી. તાલુકા મથક ભુજ ૯૦ કિલોમીટર દૂર હોવાથી ત્યાં જવાનો વિકલ્પ તો ગામ લોકો વિચારી પણ શકતા નથી.
સ્થાનિક સમુદાયમાં પ્રવર્તતી રૂઢિચુસ્ત પરંપરાઓને કારણે ઘણા વાલીઓ પોતાની દીકરીઓને બહારગામ ભણવા મોકલવા તૈયાર નથી. જો જામ કુનરીયા ગામમાં ધોરણ ૧૧ ની મંજૂરી આપવામાં આવે, તો ૪૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા તત્પર છે.
આ બાબતે ગામના સરપંચ આચાર મગા ડુંગરીયા, માધ્યમિક શાળાના આચાર્ય હસીનાબેન કાતિયાર અને સ્થાનિક પચ્છમ એસ.એમ.સી. પરિષદના અધ્યક્ષ ઉંમરભાઈ સમા દ્વારા સરકારશ્રીમાં અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં હજુ સુધી કોઈ સકારાત્મક પરિણામ આવ્યું નથી.
નોંધનીય છે કે, તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી કચ્છના રણમાં રણોત્સવનો પ્રારંભ થયો, જેના કારણે આ વિસ્તાર વિશ્વભરમાં જાણીતો બન્યો અને ધંધા-રોજગારની તકો વધતાં સ્થાનિક લોકો પોતાના બાળકોને ભણાવવા સક્ષમ બન્યા. શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કન્યા કેળવણીને ખૂબ જ પ્રોત્સાહન આપતા હતા, અને વર્તમાન સંવેદનશીલ સરકાર પણ આ બાબતે જાગૃત જ છે. પરંતુ માહિતીના અભાવે કદાચ આ ગામ ઉચ્ચ શિક્ષણથી વંચિત રહી જવા પામ્યું છે.હાલમાં જ ઉચ્ચ માધ્યમિક શિક્ષકોની ભરતી ચાલી રહી છે ત્યારે, જો જામ કુનરીયા ગામે ધોરણ ૧૧ માટે બે શિક્ષકો ફાળવવામાં આવે, તો સરકારી માધ્યમિક શાળામાં બેસવાની સુવિધા પહેલેથી જ ઉપલબ્ધ છે.જામ કુનરીયા ગામના બાળકોને ઉચ્ચ શિક્ષણનો લાભ મળે તે માટે તાત્કાલિક ધોરણ ૧૧ ની મંજૂરી આપવામાં આવે તેવી ગામ લોકોની પ્રબળ માંગણી છે, જેથી આ રણ વિસ્તારની દીકરીઓ પણ ઉચ્ચ અભ્યાસના પ્રકાશથી વંચિત ન રહે.




