WAKANER:વાંકાનેર નોનવેજ ખરીદવા જેવી નજીવી બાબતમાં બોલાચાલી બાદ યુવક અને તેના મિત્ર પર ૭ શખ્સોનો ઘાતકી હુમલો




WAKANER:વાંકાનેર નોનવેજ ખરીદવા જેવી નજીવી બાબતમાં બોલાચાલી બાદ યુવક અને તેના મિત્ર પર ૭ શખ્સોનો ઘાતકી હુમલો

વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે નોનવેજ ખરીદવા જેવી નજીવી બાબતમાં ઉગ્ર બોલાચાલી થયા બાદ એક યુવક અને તેના મિત્ર પર સાત જેટલા શખ્સોએ ઘાતકી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, વાંકાનેર શહેરમાં આવેલી પેડક સોસાયટીમાં રહેતા અને મજૂરી કામ કરતા ૨૪ વર્ષીય કિશનભાઇ ધીરજભાઈ ગોરવાડીયાએ આરોપી સોયબ, સોહિલ હાજીભાઈ તથા અન્ય પાંચ અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવ્યા અનુસાર, કિશનભાઈ અને તેમનો મિત્ર આરોપી સોયબની દુકાને નોનવેજ લેવા માટે ગયા હતા. આ દરમિયાન કોઈ કારણોસર આરોપી સોયબ ઉશ્કેરાઈ ગયો હતો અને કિશનભાઈ તથા તેમના મિત્રને ગાળો આપી, જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા. ત્યારબાદ સોયબએ નોનવેજ કાપવાનું છરા જેવું ધારદાર હથિયાર હાથમાં લઈ કિશનભાઈના કપાળના ભાગે ઝીંકી દીધું હતું.
આ ઘટના દરમિયાન અન્ય આરોપી સોહિલ પણ ગાળો ભાંડવા લાગ્યો હતો. કિશનભાઈ અને તેમના મિત્રએ ગાળો બોલવાની ના પાડતા જ તમામ આરોપીઓ એકસંપ થઈ તૂટી પડ્યા હતા. આરોપીઓએ બંને મિત્રોને લાકડી, ધોકા અને પાઇપ વડે બેરહેમીપૂર્વક માર માર્યો હતો અને જતા-જતા જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.આ ચકચારી ઘટના અંગે વાંકાનેર સિટી પોલીસે ભોગ બનનાર યુવકની ફરિયાદના આધારે સાતેય આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી તેમની અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા છે.



