
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસાની પાંચથી વધુ સોસાયટીઓ ડામર પ્લાન્ટના પ્રદૂષણથી પરેશાન – રહેણાંક વિસ્તાર પાસે આવેલા ડામર પ્લાન્ટથી આરોગ્ય પર જોખમ, હટાવવાની ઉગ્ર માંગ
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં રહેણાંક વિસ્તારની નજીક આવેલા ડામર પ્લાન્ટના કારણે પાંચથી વધુ સોસાયટીઓના રહીશો ભારે પ્રદૂષણથી પરેશાન બન્યા છે. પંચવટી, શિવાલય, શ્યામ, શિવાલિક સહિત આસપાસની અન્ય સોસાયટીઓમાં રહેતા લોકો સતત નીકળતા ધુમાડા અને દુર્ગંધથી ત્રસ્ત થયા છે.
સ્થાનિક રહીશો જણાવે છે કે ડામર પ્લાન્ટમાંથી દિવસ-રાત ધુમાડો નીકળતા હવામાં પ્રદૂષણ વધ્યું છે, જેના કારણે શ્વાસની તકલીફ, આંખોમાં બળતરાં, માથાનો દુખાવો સહિત આરોગ્ય સંબંધિત સમસ્યાઓ થવાની શક્યતા વધી ગઈ છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને બીમાર લોકો માટે આ પરિસ્થિતિ ગંભીર બની છે.ચિંતાજનક બાબત એ છે કે આ વિસ્તારની આસપાસ ત્રણથી વધુ શાળાઓ આવેલી હોવાથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર પણ માઠી અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. વાલીઓએ પણ બાળકોના આરોગ્યને લઈને ચિંતા વ્યક્ત કરી છે.ડામર પ્લાન્ટના કારણે સર્જાયેલી સમસ્યાના ઉકેલ માટે સોસાયટીના રહીશોએ એકજૂથ બની જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ડામર પ્લાન્ટને તાત્કાલિક રહેણાંક વિસ્તારથી દૂર હટાવવાની માંગ કરી છે. રહીશોએ ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આંદોલનનો માર્ગ અપનાવવો પડશે.હાલ ડામર પ્લાન્ટ હટાવવાની માંગ ઉગ્ર બની છે અને તંત્રના પ્રતિસાદ તરફ સમગ્ર વિસ્તારની નજર મંડાઈ છે.




