GUJARATSAGBARA

સાગબારાના જંગલ જમીન મુદ્દે સાંસદ મનસુખ વસાવા ફરી મેદાને, ખેડૂતોને અહિંસક લડતનું આહ્વાન,

સાગબારાના જંગલ જમીન મુદ્દે સાંસદ મનસુખ વસાવા ફરી મેદાને, ખેડૂતોને અહિંસક લડતનું આહ્વાન,

વાત્સલ્યમ સમાચાર

પ્રતિનિધી : જેસિંગ વસાવા

 

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામે જંગલ જમીનના મુદ્દે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતો સાથે મુલાકાત કરી તેમના પ્રશ્નો સાંભળ્યા હતા. છેલ્લા ઘણા સમયથી વિસ્તારના અંદાજે 10થી 12 ગામોના ખેડૂતો જંગલ જમીન પરના પોતાના હક્ક માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ મુદ્દે હવે સાંસદ મનસુખ વસાવા પણ ખેડૂતોના સમર્થનમાં ખુલ્લેઆમ મેદાને ઉતર્યા છે.

બેઠક દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતોને જંગલ જમીન સંબંધિત કાયદાઓ અને તેમના અધિકારો અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ખેડૂતોને ખાસ અપીલ કરતાં જણાવ્યું કે વન વિભાગના અધિકારીઓ કે કર્મચારીઓ સાથે કોઈપણ પ્રકારનું ઘર્ષણ અથવા અથડામણ ન કરવી, પરંતુ મહાત્મા ગાંધીજીએ દર્શાવેલા અહિંસાના માર્ગે રહી શાંતિપૂર્ણ રીતે પોતાના હક્ક માટે લડત ચાલુ રાખવી.

સાંસદે ખેડૂતોને વિશ્વાસ અપાવતા જણાવ્યું હતું કે જંગલ જમીનના પ્રશ્નનો કાયમી ઉકેલ ન આવે ત્યાં સુધી તેઓ ખેડૂતોની સાથે અડગ રહેશે. તેમણે વધુમાં કહ્યું કે, “આ લડતમાં જરૂર પડે તો મને જેલમાં જવું પડે, તો પણ હું ખેડૂતોનો સાથ નહીં છોડું.”

બેઠકમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. તમામ ખેડૂતો દ્વારા આગામી સમયમાં પણ કાયદાકીય અને શાંતિપૂર્ણ રીતે આંદોલન આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જંગલ જમીનના હક્ક માટેની આ લડતને હવે વધુ મજબૂત સમર્થન મળતાં વિસ્તારમાં આ મુદ્દે નવી ચર્ચા શરૂ થઈ છે.

Back to top button
error: Content is protected !!