NANDODNARMADA

નર્મદા જિલ્લાના પગડિયા માછીમારોને યોજનાકીય લાભોનું વિતરણ કરાયું

નર્મદા જિલ્લાના પગડિયા માછીમારોને યોજનાકીય લાભોનું વિતરણ કરાયું

 

જિલ્લા મત્સ્યોદ્યોગ દ્વારા સાયકલ, ઇનસ્યુલેટેડ બોક્ષ, જાળ અને વજનકાંટાનું વિતરણ

 

માછલીની ગુણવત્તા, આરોગ્યપ્રદ હેરવણી, ફેરવણી, શીતાગાર તેમજ વેચાણ માટે આ યુનિટ ઉપયોગી સાબિત થશે

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લાના પગડિયા માછીમારોની કાર્યકુશળતામાં વધારો કરીને તેઓની વૈકલ્પિક રોજગારીને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા લાભાર્થીઓને યોજનાકીય લાભ આપવામાં આવ્યો છે. પગડિયાઓ માટે માછીમારી એ જીવનનિર્વાહનું મુખ્ય માધ્યમ છે. સામાન્ય રીતે કુટુંબની જરૂરિયાતો સંતોષવા માટે આ માછીમારો પકડેલી માછલીઓ પોતાના ઉપયોગ માટે અને બાકીની માછલીઓનું વેચાણ કરે છે.

 

નદી કિનારે એટલે કે મીઠા પાણીપાણીમાં મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા તેમજ પગે ચાલી ને માછીમારી કરતા (પગડિયા માછીમાર) તરીકેનું લાયસન્સ ધરાવતા માછીમારો કે જેઓએ i-khedut પોર્ટલ મારફતે અરજી કરી હતી. તેવા નર્મદા જિલ્લાના દેડિયાપાડા અને ગરુડેશ્વર તાલુકાના માછીમારોને મત્સ્યોધોગ અધિક્ષક કુ. એ.પી.પટેલના માર્ગદર્શન હેઠળ મદદનીશ મત્સ્યોદ્યોગ અધિક્ષક ડો. ડી.એચ.દવે અને મત્સ્ય અધિકારી જે.સી.ડાભી દ્વારા આવા પગડીયા માછીમારોને જિલ્લા સેવાસદનના પરિસર ખાતે સાયકલ, ઇનસ્યુલેટેડ બોક્ષ, જાળ અને વજનકાંટાનું વિતરણ કરીને લાભાન્વિત કરવામાં આવ્યાં છે.

આ સહાય પુખ્ત વયના પગડિયા માછીમારોને મળવાપાત્ર હોય છે તેમજ પગડીયા માછીમારોને આ ઘટકનો એક વખત લાભ મળ્યા બાદ ત્રણ વર્ષ પછી ફરીથી લાભ મળવાપાત્ર હોય છે. જેમાં કુલ યુનિટ કોસ્ટ રૂ. ૧૫૦૦૦ ની મર્યાદામાં ૯૦ ટકા લેખે રૂ. ૧૩,૫૦૦ ની સહાય અથવા ખરેખર ખરીદ કિંમતના ૯૦ ટકા બે માંથી જે ઓછુ હોય તે રકમની સહાય સબસીડી પેટે મળવાપાત્ર છે. પગડિયા યુનિટમાં સાયકલ, જાળ, ઈન્સ્યુલેટેડ બોક્ષ અને વજનકાંટાનો સમાવેશ થાય છે.

 

ઉલ્લેખનીય છે કે, આંતરદેશીય મત્સ્યોદ્યોગ ક્ષેત્રે ગામ તળાવો, જળાશયો, નદી, સિંચાઇ તળાવો તેમજ પોતાની માલિકીની જમીનમાં તળાવો બનાવી મત્સ્ય ઉછેર કરવામાં આવે છે. મત્સ્ય ઉછેર બાદ માછલીના પકડાશ થયા પછી તેની જાળવણી ખુબ જ જરૂરી છે. માછલી જ્યાં સુધી ગ્રાહક સુધી ન પહોંચે ત્યાં સુધી માછલીની ગુણવત્તા, આરોગ્યપ્રદ હેરવણી, ફેરવણી તથા શીતાગાર જરૂરી છે. મત્સ્ય પકડાશ બાદ તેને ઈન્‍સ્યુલેટેડ બોક્ષમાં સાચવવામાં આવે તો ઝડપથી બગડતી નથી. આંતરદેશીય મત્સ્યોદ્યોગમાં ગુણવત્તા નો વધારો કરવા તથા અંતરિયાળ વિસ્તારના માછીમારોને આર્થિક પગભર બનાવવાના હેતુથી આ લાભ આપવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!