Rajkot: “પોષણ પખવાડિયું” આંગણવાડીમાં મારી દીકરીને શિક્ષણ સાથે પાયાની સમજણ પણ મળી રહી છે: પાયલબેન વાઘેલા

તા.૧૮/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન:- જીતેન્દ્ર નિમાવત
મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડી કેન્દ્રોમાં સમાવેશી શિક્ષણ દ્વારા દિવ્યાંગ બાળકોનું થાય છે ઘડતર: પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈ
દિવ્યાંગ બાળકના વાલીનાં ચહેરા પર ખુશી જોવી તે અમારી નોકરીને સાર્થક કરે : સી.ડી.પી.ઓ. પૂજાબેન જોશી
Rajkot: દિવ્યાંગ બાળકો પણ આંગણવાડીમાં ભણી ગણીને, વિવિધ સમજ કેળવી સામાન્ય બાળકોની જેમ બાળ પ્રવૃત્તિઓ કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા આંગણવાડીના બહેનોને સમાવેશી શિક્ષણની તાલીમ આપવામાં આવે છે. આ તાલીમમાં ડાઉન સિન્ડ્રોમ સહિતના દિવ્યાંગ બાળકોનો ઉછેર અને શિક્ષણ દ્વારા તેઓને યોગ્ય તાલીમ આપવામાં આવે છે. સરકારની આ નીતિ રાજકોટ સહિત રાજ્યના અનેક દિવ્યાંગ બાળકો માટે ઉપયોગી બની છે, જેનો હરખ આવા બાળકોના વાલીઓના ચહેરા પર જોવા મળી રહ્યો છે. આવા જ એક વાલી છે, પાયલબેન વાઘેલા, જેઓ મેડિકલ ફિલ્ડ સાથે જોડાયેલા છે. અધૂરા માસે જન્મેલી તેમની ચાર વર્ષની દીકરીને બોલવા, ચાલવાની તેમજ લેટ ડેવલપમેન્ટની સમસ્યામાંથી ઘણી રાહત મળી છે. આ કામ ડોક્ટર્સે નહીં પણ આંગણવાડીના બહેનોએ કરી બતાવ્યું છે. કદાચ એટલે જ આંગણવાડીના બહેનોને યશોદા માતાનું બિરુદ અપાયું છે.
બાળકીના માતા શ્રી પાયલબહેન કહે છે કે, પ્રીમેચ્યોર બાળક હોવાથી મારી દીકરીને ખાનગી શાળામાં એડમિશન ન મળ્યું. દરેક માતા-પિતાની ઈચ્છા હોય કે, તેમનું બાળક યોગ્ય શિક્ષણ મેળવે, અને બાળક જો દિવ્યાંગ હોય તો તેમને શિક્ષણ સાથે જીવન જરૂરી પાયાની સમજ પણ મળે તેની ચિંતા હોય છે. ખાનગી શાળામાં એડમિશન ન મળતા અમે પતિ-પત્ની ચિંતાતુર હતા. ત્યારે મારી સોસાયટીમાં રહેતા આંગણવાડીના બહેને મારી દીકરીને આંગણવાડી કેન્દ્રમાં મૂકવા અપીલ કરી હતી. પોપટપરા રેલનગર આંગણવાડી કેન્દ્રના કિરણબહેન અને લાખુબહેને શરૂ શરૂમાં મારી દીકરીની ગભરામણ દૂર કરી જે અઘરૂ કામ હતું. ત્યારબાદ નોર્મલ બાળકો સાથે કંઈ રીતે વાતો કરવી, આંગણવાડીની એક્ટિવિટીમાં ભાગ લેવો સહિતની પ્રવૃત્તિ શીખી છેલ્લા બે વર્ષમાં મારી દીકરી એબીસીડી બોલવી, કલર્સ ઓળખવા, એકડા બોલવા સહિતની પ્રવૃત્તિ કરે છે જેથી હવે મને કોઈ ચિંતા નથી.
સરકાર અને આઈ.સી.ડી.એસ. વિભાગની કામગીરીને બિરદાવતા અન્ય એક દિવ્યાંગ બાળકના માતા શ્રી પૂનમબહેન સરવૈયાએ જણાવ્યું હતું કે, મારો પુત્ર મનવીર ડાઉન સિન્ડ્રોમથી પીડાય છે. પુત્રને આંગણવાડીમાં એડમિશન મળતા હવે અમે ખુશ છીએ. આંગણવાડીમાંથી તે ઘણું શીખ્યો છે.
રાજકોટના ખોડીયાર નગર આંગણવાડીમાં ભણતો ચાર વર્ષીય મનવીર માનસિક દિવ્યાંગ છે. આંગણવાડીમાં પ્રવેશ મળતા છેલ્લા એક વર્ષમાં મનવીરને ટોયલેટ બાથરૂમની સભાનતા રહે છે, જમવાનું અને રમવાનું શીખવાની સાથે પક્ષીઓ, ફુલ વગેરેને ઓળખી વિવિધ પ્રવૃત્તિઓમાં સામાન્ય બાળકો સાથે પણ જોડાય છે. ત્યારે મનવીરના માતા પુનમ બહેને આંગણવાડીના કાર્યકર શીતલબહેન તેમજ આઈ.સી.ડી.એસ. વિભાગ અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
પ્રોગ્રામ ઓફિસર શ્રી શારદાબહેન દેસાઈએ કહ્યું કે, મહાનગરપાલિકા હેઠળ આવતાં આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને પોષણ સાથે શિક્ષણ મળે છે. દિવ્યાંગ બાળકોને પ્રવેશ મળવાથી તે નોર્મલ બાળકો પાસેથી ઘણું શીખી શકે છે, આંગણવાડીના બહેનોને આ માટે વિશેષ તાલીમ પણ આપવામાં આવે છે.
સી.ડી.પી.ઓ. શ્રી પૂજાબહેન જોશી કહે છે, “આંગણવાડીની મુલાકાત દરમિયાન આ પ્રકારના બાળકોના વાલીના ચહેરા પર જે સંતોષ જોવા મળે તે જ અમારી નોકરીને સાર્થક કરે છે”






