
રાજપીપલા GMERS મેડિકલ કોલેજ ખાતે સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં “નમો સ્વચ્છતા અભિયાન” અંતર્ગત કાર્યક્રમ યોજાયો


રાજપીપળા : જુનેદ ખત્રી
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં આજે તા. ૧ જુલાઈ થી તા. ૭ મી જુલાઈ સુધી ‘નમો સ્વચ્છતા અભિયાન’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરની GMERS મેડિકલ કોલેજ ખાતેથી આ રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લાની GMERS મેડિકલ કોલેજ રાજપીપળા ખાતે સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો.
સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હંમેશાં સ્વચ્છતાના આગ્રહી રહ્યા છે. આજથી શરૂ થઈ રહેલા ‘નમો સ્વચ્છતા અભિયાન’ દ્વારા આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણનું નિર્માણ થશે, જે દર્દીઓ તેમજ તેમના પરિજનો માટે લાભદાયી સાબિત થશે. રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલું આ અભિયાન માત્ર એક સપ્તાહ પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ સ્વચ્છતાને દૈનિક જીવનશૈલીનો ભાગ બનાવવો જોઈએ. આરોગ્ય કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકો આ અભિયાનમાં સક્રિય સહભાગી બને અને પોતાના કાર્યસ્થળ તથા આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવામાં યોગદાન આપે તેવો અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષમાં યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. બાદમાં સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં સફાઈ અભિયાનનો પ્રારંભ થયો હતો.



