NANDODNARMADA

“દારૂના દૂષણમાં પોલીસ અને નેતાઓની મિલીભગત, યુવાધનને બચાવો” : ગૃહ મંત્રીને સંસદ મનસુખ વસાવાએ પત્ર લખતા ખળભળાટ

દારૂના દૂષણમાં પોલીસ અને નેતાઓની મિલીભગત, યુવાધનને બચાવો : ગૃહ મંત્રીને સંસદ મનસુખ વસાવાએ પત્ર લખતા ખળભળાટ

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ ગૃહ મંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે પોતાના પત્રમાં દારૂની હેરાફેરીનો આખો રૂટ અને મોડસ ઓપરેન્ડીનો ખુલાસો કર્યો છે. તેમણે લખ્યું છે કે, પડોશી રાજ્ય મહારાષ્ટ્રની સરહદ પરથી નર્મદા જિલ્લામાં મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે.સાંસદના દાવા અનુસાર, મહારાષ્ટ્ર બોર્ડરથી લઈને દારૂ સપ્લાયના રૂટમાં આવતા વિવિધ પોલીસ સ્ટેશનોના PSI સ્તરના અધિકારીઓ આ સમગ્ર નેટવર્કમાં સીધા સંકળાયેલા છે.

પત્રમાં ખાસ કરીને આમલેથા પોલીસ સ્ટેશનની ભૂમિકા અંગે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. મનસુખ વસાવાએ લખ્યું છે કે, નર્મદા જિલ્લામાં ઘુસાડવામાં આવતો વિદેશી દારૂ ત્યાંથી આગળ ઉમલ્લા, રાજપારડી, કરજણ અને શિનોર સુધી બેરોકટોક પહોંચાડવામાં આવે છે.આટલું મોટું નેટવર્ક પોલીસ અને રાજકીય છત્રછાયા વિના શક્ય નથી એવો પણ સાંસદે સીધો ઈશારો કર્યો છે.

 

મનસુખ વસાવા માત્ર સામાન્ય આક્ષેપો સુધી સીમિત રહ્યા નથી. તેમણે પોતાના પત્રમાં નર્મદા પોલીસના કેટલાક કર્મચારીઓના નામજોગ ઉલ્લેખ પણ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.આ ઉપરાંત તેમણે આ મામલે એક અલગ પત્ર નર્મદા જિલ્લા પોલીસ વડા (SP)ને રૂબરૂ મળી સોંપ્યો હોવાનું પણ સામે આવ્યું છે. સાંસદે દાવો કર્યો છે કે તેમની પાસે આ નેટવર્ક અંગેના પુરાવા પણ ઉપલબ્ધ છે.

 

પત્રના અંતમાં સાંસદે ભાવુક અપીલ કરતાં લખ્યું છે કે, “નર્મદા અને આજુબાજુના વિસ્તારોમાં દારૂના કારણે સ્થાનિક યુવાધન બરબાદ થઈ રહ્યું છે. તેમને ગમે તેમ કરીને બચાવી લેજો સાહેબ.”ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સત્તાધારી પક્ષના સાંસદ દ્વારા પોતાની જ પોલીસ વ્યવસ્થા સામે આટલા ગંભીર આક્ષેપો કરાતા હવે રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ પર સવાલો ઉઠી રહ્યા છે.

 

આગામી સમયમાં આ બાબતે કાર્યવાહી થશે કે કેમ તે એક સવાલ છે હાલતો દારુના વેપલા બાબતે રાજકીય ખળભળાટ મચ્યો છે અને પોલીસ બેડામાં પણ અફરાતફરી જોવા મળી છે

Back to top button
error: Content is protected !!