NANDODNARMADA

નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘની તિલકવાડા તાલુકા પંચાયતની આકસ્મિક મુલાકાત

નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘની તિલકવાડા તાલુકા પંચાયતની આકસ્મિક મુલાકાત

 

કચેરીઓનું રૂબરૂ નિરીક્ષણ કરી પ્રજાલક્ષી કામગીરીની સમીક્ષા કરી

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘે તિલકવાડા તાલુકા પંચાયતની મુલાકાત લઈ તાલુકા પંચાયત ભવન ખાતે આવેલી વિવિધ કચેરીઓનું રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે વિવિધ શાખાઓમાં કાર્યરત અધિકારીઓ અને કર્મચારીઓ સાથે તેમની કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરી જરૂરી માહિતી મેળવી હતી.

કલેક્ટરએ દફ્તર ચકાસણી કરી વિવિધ ટેબલ પર ચાલી રહેલી પ્રજાલક્ષી કામગીરી તેમજ સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ અંગે માહિતી મેળવી હતી. તેમણે કચેરીમાં આવતા અરજદારો અને નાગરિકોને સમયસર, સંતોષકારક અને હકારાત્મક પ્રતિસાદ મળે તેમજ તેમના કામો ઝડપભેર અને સરળતાથી પૂર્ણ થાય તે માટે ખાસ ભાર મૂક્યો હતો.

 

મુલાકાત દરમિયાન કલેક્ટરએ કચેરી પરિસરમાં સ્વચ્છતા જાળવવા, સુવ્યવસ્થિત વાતાવરણ ઉભું કરવા તેમજ નાગરિકો અને કર્મચારીઓને સ્વચ્છ અને ઠંડું પીવાનું પાણી ઉપલબ્ધ રહે તે માટે વોટર કૂલર સ્થાપિત કરવાની સૂચના આપી હતી.

 

આ ઉપરાંત તાલુકા પંચાયત ભવનની કમ્પાઉન્ડ વોલ અને મુખ્ય પ્રવેશદ્વાર (એન્ટ્રી ગેટ)નું કામ ગુણવત્તાયુક્ત અને યોગ્ય રીતે પૂર્ણ થાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. કચેરીના પરિસરમાં પડેલો કચરો તાત્કાલિક દૂર કરી નિયમિત સફાઈ જાળવવા માટે તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને જરૂરી સૂચનાઓ આપી હતી.

 

સરકારી કચેરીઓમાં સ્વચ્છતા, સુવ્યવસ્થા અને નાગરિકોને સમયસર સેવા ઉપલબ્ધ કરાવવી એ સુશાસનનો મહત્વપૂર્ણ ભાગ છે. તેથી તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ જવાબદારીપૂર્વક કામગીરી કરી નાગરિક કેન્દ્રિત વહીવટને વધુ અસરકારક બનાવવા પર કલેક્ટરએ ભાર મૂક્યો હતો.

Back to top button
error: Content is protected !!