આમલેથા પોલીસ સ્ટેશન દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધ દિવસની ઉજવણી કરવામાં આવી
પોલીસ દ્વારા આમલેથા અને પ્રતાપનગર શાળાઓ ખાતે કાર્યક્રમ યોજીને વિધ્યાર્થીઓને ડ્રગ્સના સેવનથી થતા નુકશાન વિષે સમજ આપવામાં આવી
જુનેદ ખત્રી: રાજપીપલા
તા.૨૬ મી જુનને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધ દિવસ તરીકે મનાવવામાં આવે છે. ભારતમાં પણ આ દિવસે પોલીસ તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા ડ્રગ્સના નુકશાન વિષે લોક જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી રેલીઓ તેમજ કાર્યક્રમો યોજવામાં આવે છે. ગતરોજ તા.૨૬ મીના રોજ નર્મદા જિલ્લાના આમલેથા પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ દિવસની ઉજવણી અંતર્ગત આમલેથા પ્રતાપનગર જેવા સ્થળોએ શાળાઓમાં ડ્રગ્સ સંબંધી જાગૃતિ કાર્યક્રમ યોજીને વિધ્યાર્થીઓને ડ્રગ્સથી થતા નુકશાન વિષે વિસ્તૃતથી સમજ આપવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓની સુચનાથી આમલેથા પીએસઆઇ ડી.આર.રાઠોડના માર્ગદર્શન હેઠળ આમલેથા પોલીસ મથકના સ્ટાફ દ્વારા ડ્રગ્સ વિરોધ દિવસ મનાવાયો હતો. પોલીસ દ્વારા ડ્રગ્સ વિરોધ દિન નિમિતે જાગૃતિ લાવવાના હેતુથી શાળાના બાળકોને તેમજ વાહન ચાલકોને પેમ્ફલેટની વહેંચણી કરવામાં આવી હતી.તેમજ ડ્રગ્સનું સેવન નહીં કરવા બાબતે જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છેકે દર વર્ષે ૨૬ જુનના રોજ માદક દ્રવ્યોના દુરૂપયોગથી વિશ્વને મુક્ત કરાવવાના ઉદ્દેશથી આ દિવસને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે,અને પોલીસ તેમજ અન્ય સામાજિક સંગઠનો ડ્રગ્સ વિરોધી જાગૃતિના આ અભિયાનમાં જોડાય છે.