નર્મદા : મુખ્યમંત્રી કાર્યાલયના સચિવ ડો. વિક્રાંત પાંડેના હસ્તે ગરૂડેશ્વર તાલુકાની ત્રણ પ્રાથમિક શાળાના ૧૨૧ બાળકોનું નામાંકન કરાયું
બાળકોને પાયાનું ગુણવત્તાયુક્ત શિક્ષણ પુરૂં પાડી ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ સાથે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના યજ્ઞમાં આપણે સૌ સહભાગી બનીએઃ સચિવ ડો. વિક્રાંત પાંડે
રાજપીપલા : જુનેદ ખત્રી
રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં મુખ્યમંત્રી કાર્યાલયના સચિવ ડૉ. વિક્રાંત પાંડેએ ઉપસ્થિત રહી ત્રણ શાળાના ૧૨૧ વિદ્યાર્થીઓનું નામાંકન કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો. સૌ પ્રથમ વીર ભગતસિંહ પ્રાથમિક શાળા કેવડિયામાં ૨૦ બાળકો, બાદમાં વીર સુખદેવ પ્રાથમિક શાળામાં ૮૦ અને ગંભીરપુરા પ્રાથમિક શાળામાં ૨૧ બાળકોને સ્કુલબેગ, પુસ્તકો, નોટબુક સહિતની શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવી ઉજ્જવળ ભવિષ્ય માટે સૌ બાળકોને શુભકામના પાઠવી હતી.
કન્યાકેળવણી મહોત્સવ પ્રસંગે સચિવ ડૉ. વિક્રાંત પાંડેએ નર્મદા જિલ્લામાંથી શરૂ કરેલી પોતાની કારકિર્દીના દિવસો યાદ કરીને કહ્યું કે, વર્ષ ૨૦૦૮ થી ૨૦૧૦ ના સમયગાળાની જિલ્લાની પરિસ્થિતિથી વિપરિત હતી. આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કારણે નર્મદા જિલ્લો દેશમાં જ નહીં વિશ્વ ફલક પર પ્રવાસન ક્ષેત્રે અંકિત થયો છે. પ્રવાસનના વિકાસથી જિલ્લામાં રોજગારીની અનેક તકો ઊભી થઈ અને સ્થાનિક આદિવાસી નાગરિકો ઘર આંગણે જ રોજગારી મેળવતા થયા છે. તેની પાછળનું સૌથી મોટું કારણ શિક્ષણ છે અને તેથી જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે કાર્યરત હતા ત્યારે નર્મદા જિલ્લામાંથી જ શરૂ કરેલા કન્યા કેળવણી મહોત્સવના આપણને ખૂબ સારા પરિણામો મળ્યાં છે. આ ઉત્સવના કારણે આપણે શાળામાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડી ૧૦૦ ટકા નામાંકન સુધીનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. હવે તેનાથી આગળ વધીને વર્તમાનમાં સમય આવી ગયો છે ગુણવત્તાયુક્ત શિક્ષણ પુરૂં પાડવાનો છે.