
નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ, GMERS મેડિકલ કોલેજ ગોત્રી અને યુનિસેફના સંયુક્ત ઉપક્રમે ફર્સ્ટ રિસ્પોન્ડર જીવન દૂત તાલીમ યોજાઈ
ટ્રાફિક પોલીસ જવાનોને ફર્સ્ટ રિસ્પોન્ડર જીવન દૂત તરીકે CPR સહિતની પ્રાથમિક સારવાર અંગે તાલીમ અપાઈ
રાજપીપલા : જુનેદ ખત્રી
નાંદોદ તાલુકાના વાવડી ગામ સ્થિત હોટલ વી.આર. ઇન ખાતે ફર્સ્ટ રિસ્પોન્ડર જીવન દૂત તાલીમનું આયોજન યુનિસેફ, નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ તથા જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ, ગોત્રી (વડોદરા)ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.
નર્મદા જિલ્લાના તમામ ટ્રાફિક પોલીસ જવાનોને ફર્સ્ટ રિસ્પોન્ડર જીવન દૂત તરીકે સી.પી.આર. (CPR) સહિતની પ્રાથમિક સારવાર અંગેની તાલીમ જી.વી.કે. ઈ.એમ.આર.આઈ. ગાંધીનગરના તાલીમકારો દ્વારા આપવામાં આવી હતી. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ રોડ અકસ્માતની ઘટનામાં ઘાયલ વ્યક્તિને સ્થળ પર તાત્કાલિક અને યોગ્ય પ્રાથમિક સારવાર મળી રહે તેમજ ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે પોલીસ જવાનો કેવી રીતે ઝડપી અને અસરકારક કામગીરી કરી શકે તે અંગે વિસ્તૃત ડેમોન્સ્ટ્રેશન અને માર્ગદર્શન આપવાનો હતો.
આ તાલીમમાં નાયબ પોલીસ અધિક્ષક એ.આર.ટી.ઓ.શ્રી-નર્મદા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ ગોત્રી-વડોદરાના કોમ્યુનિટી મેડિસિન વિભાગના વડાશ્રી તથા આસિસ્ટન્ટ પ્રોફેસર, ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર, યુનિસેફ ગાંધીનગર તથા નર્મદા જિલ્લાના અધિકારીઓ તેમજ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.




