
નર્મદા : રાજપીપળા ખાતે સેવાસદનની કાયાપલટ : નવા કલેક્ટર ગંગા સિંઘે ચાર્જ લેતાજ આપ્યા આદેશ
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘના “નાગરિક પ્રથમ”ના અભિગમને કેન્દ્રસ્થાને રાખી જિલ્લા સેવાસદન-રાજપીપળા ખાતે વ્યાપક રિનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીનો મુખ્ય હેતુ કચેરીની મુલાકાતે આવતા નાગરિકોને વધુ સ્વચ્છ, સુવિધાસભર અને અનુકૂળ વાતાવરણ ઉપલબ્ધ કરાવવાનો છે.

વર્ષોથી કચેરી સંકુલમાં પડેલા વધારાના અને બિનઉપયોગી સામાન તેમજ જૂના વાહનોના યોગ્ય નિકાલની કામગીરી કરવામાં આવી છે. જેના પરિણામે સમગ્ર કચેરી સંકુલ વધુ સ્વચ્છ, ખુલ્લું અને સુવ્યવસ્થિત બન્યું છે. સાથે જ મુલાકાતીઓ અને કર્મચારીઓ માટે વાહનોની પાર્કિંગની સુવિધા વધુ સુદ્રઢ અને વ્યવસ્થિત બને તે માટે પાર્કિંગ વિસ્તારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

કચેરી સંકુલમાં આવેલા ગાર્ડન અને ખુલ્લા વિસ્તારોને પણ નવા રૂપરંગ સાથે વિકસાવવામાં આવી રહ્યા છે. હરિયાળી વધારવા, સૌંદર્યીકરણ અને સ્વચ્છતાને પ્રાધાન્ય આપી ગાર્ડનને વધુ આકર્ષક અને મનોહર બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.
માર્ગ અને મકાન વિભાગ તેમજ વન વિભાગના સંકલનથી વિવિધ વિકાસલક્ષી અને સૌંદર્યીકરણની કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે. કચેરી સંકુલના વિવિધ વિસ્તારોમાં જરૂરી સુધારણા, મરામત, કલરકામ અને સુવિધાઓના વિકાસ દ્વારા સમગ્ર સેવાસદનને આધુનિક અને નાગરિકલક્ષી સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.

આ કામગીરી પૂર્ણ થયા બાદ જિલ્લા સેવાસદનની મુલાકાતે આવતા નાગરિકોને વધુ સ્વચ્છ, હરિયાળું, સુવ્યવસ્થિત અને સુવિધાસભર વાતાવરણનો અનુભવ થશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને ગુણવત્તાસભર સેવાઓ સાથે ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે


