નર્મદા પરિક્રમા : રજાના દિવસોમાં અવ્યવસ્થા સર્જાયા બાદ અધિકારીઓએ તાકીદની બેઠક બોલાવી સુવિધાઓમાં વધારો કરાયો
પરિક્રમાવાસીઓ ભક્તો, શ્રદ્ધાળુઓની સુવિધામાં ડોમ, બેઠક વ્યવસ્થા, નાવડીઓ, જેટી, લાઈફ જેકેટ, પીવાનું પાણી, સાફ-સફાઈ, વધારાનો પોલીસ ફોર્સ તંત્ર દ્વારા અને ભંડારા, ચા, પાણી, નાસ્તો, પાર્કિંગ સુવિધા સ્વૈચ્છિક સંસ્થા સંગઠનના સહયોગથી વધારવામાં આવશે રજાના દિવસોમાં ભીડને નિયંત્રિત કરવા ખાસ આયોજન કરાયું
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં ચૈત્ર માસ દરમિયાન એક મહિનો માં નર્મદાની પરિક્રમા યોજાય છે. આ પરિક્રમા ગત તા. ૨૯ માર્ચથી ૨૭મી એપ્રિલ, ૨૦૨૫ સુધી ચાલશે. હાલમાં આ પરિક્રમા તેના મધ્યાહાન ભાગમાં પહોંચી છે. ગત ચૈત્ર પૂનમે શનિ રવિની રાજાઓમાં ભારે ભીડ જોવા મળી હતી અને અવ્યવસ્થા સર્જાઇ હતી ત્યારે ૧૫ દિવસની યાત્રા સારી રીતે પૂરી થાય તે દિશામાં તંત્ર પ્રયાસ હાથ ધરી રહ્યું છે સુવિધાઓ સુધારો વધારો કરવા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સેક્રેટરી રાજેન્દ્રકુમાર દ્વારા જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસવડા અને પરિક્રમાના નોડલ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા પ્રેરક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વિડીયો કોન્ફરન્સના સંદર્ભમાં આજે જિલ્લા કલેક્ટર એસ. કે. મોદી દ્વારા રણછોડરાય મંદિર ખાતે બપોરે એક ખાસ તાકીદની જિલ્લા સંબંધિત અધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, સંગઠન અને ધાર્મિક આગેવાનો તથા આશ્રમવાસીઓ, યાત્રાધામ વિકાસ બોર્ડની એજન્સીઓ સાથે બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, હયાત સુવિધા છે તેમાં સુધારો-વધારો કરવામાં આવે છે અને શ્રદ્ધાળુઓને અને કોઈ તકલીફ ન પડે તે માટેનો એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે.
જિલ્લા કલેક્ટરએ ચાર ઘાટ પર વધારાના ડોમ, બેઠક વ્યવસ્થા, ખુરશી, નાહવા માટેના ફુવારા જ્યાં લાઈટ બંધ હોય ત્યાં લાઈટની સુવિધા, રેલીંગ, બેરીકેટીંગ નમી ગઈ હોય તો તેને મજબૂત કરી દેવાની રહેશે. તિલકવાડા, રેંગણ ઘાટ પર મંડપનું એનાઉન્સ સિસ્ટમ મુકવા, પ્રવાસીઓ માટે ચા-પાણી, ઓ.આર.એસ, ગરમ ભજીયાનો નાસ્તો બનાવીને સેવાભાવી સંસ્થાઓ નિશૂલ્ક સેવા આપે અને બે થી ત્રણ હજાર માણસો રોકાય તેવી વધારાની સુવિધા ઉપલબ્ધ કરો અને લોકો રસ્તામાં રોકાતા વિસામો કરતા આવે જેથી એક સામટી ઘાટ પર ભીડ ન થાય લોકોને પીવાના પાણી માટે ટેન્કર અને સ્ટેન્ડ તથા પાણીના ગ્લાસ મૂકો જેથી તે પી શકે, શૌચાલય વધારાના મૂકો અને તેની સાફ-સફાઇ કરી ચોખ્ખા રાખો, રસ્તા પરની માટી-પથરાં ખસી ગયા હોય તો તેને સરખાં કરવા આ કામ યુધ્ધના ધોરણે ગુરૂવાર સુધીમાં પૂર્ણ કરવા જણાવ્યું હતું અને તેનું નિરીક્ષણ પણ કરવામાં આવશે.
જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, ૫૦ બોટ હતી તેમાં ૨૦ બીજી નવી બોટો મંગાવીને ૭૦ કરવામાં આવી છે અને ૧૪ ની જગ્યાએ ૧૧ નવી જેટી ઘાટ પર વધારીને ૨૫ કરાઈ છે અને રેંગણ ઘાટ પર નાવડીઓના ડીઝલ માટે ૨૦૦ લીટરના ચાર બેરલ ભરીને તૈયાર રખાશે જેથી નાવડીના સંચાલનમાં સારી રીતે થઈ શકે. નાવડીમાં બેસવા આવતા પ્રવાસીઓને નવા લાઈફ જેકેટ અને ખરાબ જેકેટ ધોઈને ચોખ્ખા કરવા અને નાવડીમાં બેઠેલા દરેક લોકો લાઈફ જેકેટનો ઉપયોગ કરે તે જરૂરી છે.
સંગઠનના માણસો ૧૦૦ જેટલા પ્રવાસીઓને મદદ કરવા આવશે તે નાવડીમાં બેસવાનું ધ્યાન રાખશે અને પોલીસ હોમગાર્ડના જવાનો તથા એસડીઆરએફ પણ શ્રદ્ધાળુઓની સુરક્ષા સલામતી માટે પૂરતી વ્યવસ્થા સુનિશ્વિત કરે વડોદરા મ્યુનિસિપલ દ્વારા ૬૦ થી ૭૦ વધારાના સફાઈ કર્મીઓ આવશે. તે રસ્તા પર સફાઈ કરશે. સાથે-સાથે ગ્રામ પંચાયતના લોકો પણ આજુબાજુની સફાઈનું ધ્યાન રાખે અને સફાઈ કરે પાર્કિંગ તથા સૂચનાઓના સાઈનબોર્ડ લગાડે, ટોયલેટ-શૌચાલય સુવિધા અહીં ઉપલબ્ધ છે. એવા મહિલા- પુરૂષ દિશા નિર્દેશ કરતા સાઈનબોર્ડ મુકવા, જે વ્યવસ્થા હયાત છે તેમાં પ્રવાસીઓની સંખ્યાને ધ્યાને રાખીને સુધારા-વધારા કરવામાં આવ્યા છે. આમ સુવિધામાં બે ગણો વધારો કરવામાં આવશે.
જિલ્લા કલેકટરશ્રીએ અપીલ કરી છે કે, પરિક્રમાવાસીઓ માં નર્મદાની પદયાત્રા કરવા આવો શાંતિ અને સલામતી સાથે પરિક્રમા કરો અમે તમને આવકારવામાં સજ્જ છીએ તેમ જણાવ્યું હતું સાથે નાગરિકોએ પણ તંત્રને નમ્રતાપૂર્વક સહકાર આપવા અપીલ કરી હતી અને ખેડૂતોએ પણ વાડી-ખેતરો પાર્કિંગ કરવાની તત્પરતા દાખવી છે.
જિલ્લા પોલીસ વડાશ્રી પ્રશાંત સુંબે જણાવ્યું હતું કે, રેન્જ આઈ.જી સાહેબે આપેલી સુચના અને વધારાના પોલીસ ફોર્સ તેમજ હોમગાર્ડ, એલ.આર.ડી. પરિક્રમાવાસીની સેવામાં તૈનાત કરવામાં આવશે. ૫૫૦ હોમગાર્ડ છે વધારાના ૧૦૦ માણસો આપ્યા છે અને જરૂર જણાય તો વધારાની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. એ.આર.ટી.ઓ પાર્કિંગની સુવિધામાં મદદરૂપ થાય, જગ્યા વધારાની પાર્કિંગ માટે પસંદ રાખે જેથી વધારે વાહનો આવે ત્યારે પાર્ક કરી શકાય, બોટના કોન્ટ્રાક્ટર રાત્રી અને દિવસ દરમિયાન બે પાળીમાં બોટના ડ્રાઇવર રાખે અને બોટને પાણીમાં ધક્કો મારવા માટે પણ આજુબાજુ માણસો રાખે લાઈફ જેકેટ પહેરીને નાવડીમાં બેસે. ભંડારાના લોકો પરિક્રમાવાસીઓને આગ્રહ કરીને ચા, પાણી, નાસ્તો આપી થોડો વિસામો કરાવે.
આ પ્રસંગે ભાજપા જિલ્લા પ્રમુખ નીલ રાવ દ્વારા પણ આ પરિક્રમાવાસીઓને મદદરૂપ થવા ૧૦૦ જેટલા સ્વયંસેવકો મૂકાશે. તેમણે પરિક્રમાવાસીઓને સેવા કરવાની ખાત્રી આપી હતી અને કહ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ એક ઓળખ બની છે તેમ નર્મદા પરિક્રમા પણ આપણા જિલ્લાની એક ઓળખ બને તે માટે સૌને મદદ કરવાની અપીલ કરી હતી અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની સરાહના કરી હતી અને તંત્રની સાથે સંગઠન પણ ખભે ખભા મીલાવીને કામ કરવાની ખાત્રી આપી હતી.