રાજપીપળા નાગરિક સહકારી બેંક લિ. ૭૬ વર્ષની સફળ યાત્રા પૂર્ણ કરી, ૭૭ માં વર્ષમાં પ્રવેશ સાથે સર્વાધિક નફો પ્રાપ્ત કર્યો
૧૨૭૦૦ સભ્યો સાથે ૭૮ કરોડ થાપણ અને ૪૮ કરોડથી વધુ ધિરાણનું વ્યવસ્થાપન ધરાવતી રાજપીપળા નાગરિક સહકારી બેંક લિ.
રાજપીપળા : જુનેદ ખત્રી
સેવા, સહકાર, સદ્ધરતા, સલામતીના મંત્રને ચરીતાર્થ કરતી રાજપીપળા નાગરિક સહકારી બેંક લિમિટેડે ૭૬ વર્ષની દીર્ઘયાત્રા પૂર્ણ કરીને વર્ષ ૨૦૨૫ માં ૭૭ વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ અવસરે બેંકે અત્યાર સુધીનો સર્વાધિક નફો કરીને એક અનોખો માઈલસ્ટોન હાંસલ કરીને નાગરિક સહકારી બેંક તરીકે આત્મવિશ્વાસભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
હાલ બેંકના ૧૨૭૦૦ વધુ સભાસદો છે, જેમના સહયોગથી બેંકે અત્યાર સુધીમાં ૪૮ કરોડથી વધુની ધિરાણ અને ૭૮ કરોડ જેટલી થાપણ સંભાળી છે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન બેંકે અંદાજિત રૂ. ૯૭ લાખનો નફો હાંસલ કર્યો છે, જે એક નોંધપાત્ર સિદ્ધિ છે.
બેંક મેનેજર મલકેશકુમાર એસ. શાહે જણાવ્યું હતું કે, સહકારી ક્ષેત્રમાં રાજપીપલા નાગરિક સહકારી બેંકે સતત અવિસ્મરણીય પ્રગતિ કરી છે. ૭૬ વર્ષ પૂર્ણ કરીને ૭૭ માં મંગળ પ્રવેશ કરી રહેલી બેંક આજે ડિજિટલ યુગમાં સાકાર રીતે પ્રવેશી રહી છે. ગ્રાહકોને ટૂંક સમયમાં મોબાઈલ બેંકિંગ, ATM જેવી આધુનિક સુવિધાઓનો લાભ મળશે. ઘર બેઠા બેન્કોના તમામ વ્યવહારો મોબાઈલ બેન્કિંગના માધ્મયથી થતા સિનિયર સિટીઝનને તેનો સીધો લાભ મળશે.
કોરોના મહામારી દરમિયાન બેંકે રૂ. ૩ કરોડ જેટલી સહાય આપી હતી અને રાજ્ય સરકારની ‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’ અંતર્ગત નાના વેપારીઓ, મધ્યમ વર્ગ અને શ્રમજીવી વર્ગને મોટી સંવેદના સાથે રાહત આપી હતી.
સ્થાપનાના દિવસો યાદ કરતાં મેનેજરએ જણાવ્યું કે, ૧૯૪૯ માં સ્વ. શ્રી મંગળદાસ જગનનાથ પારેખે સ્થાપેલી આ સંસ્થા આજે તંત્રની પારદર્શકતા અને સ્થાનિક સ્ટાફની સેવા ભાવનાને કારણે ગ્રાહકોમાં વિશ્વાસ જીતવામાં સફળ રહી છે. જે અમારી સૌથી મોટી તાકાત છે.
અંતે બેંક મેનેજરએ તમામ સભાસદો, થાપણદારો, ખાતેદારો, ગ્રાહકો અને સહયોગીઓને આ ભૂમિકા માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં પણ બેંક સમર્પિત સેવા, નવિનતા અને સહકારના સિદ્ધાંતો પર યથાવત્ કાર્યરત રહેશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.