નવસારી ભારતીય જનતા પાર્ટી દ્વારા પુર ગ્રસ્ત પરિવારોને પડખે: 8 હજાર રાશન કિટનું વિતરણ: વધુ 14 હજાર કીટોની તૈયારી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ભૂરાભાઈ શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નવસારી જિલ્લામાં આવેલા વિનાશક પૂરના કારણે હજારો પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા. આવી વિકટ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીએ સેવા જ સંગઠનનો મૂળ મંત્ર છે તેને સાકાર કરતાં પૂરગ્રસ્ત પરિવારોની મદદ માટે વ્યાપક રાહત અભિયાન હાથ ધર્યું હતું. પૂર દરમિયાનથી લઈને આજે પણ ભાજપના કાર્યકરો સતત મેદાનમાં રહી અસરગ્રસ્ત પરિવારો સુધી જરૂરી સહાય પહોંચાડી રહ્યા છે.
પૂરની પરિસ્થિતિ દરમિયાન ચીખલી, અમલસાડ અને નવસારી ખાતે સામૂહિક રસોડાં શરૂ કરવામાં આવ્યા હતા. આ રસોડાં દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં હજારો લોકોને સમયસર ભોજન પહોંચાડવાની કામગીરી કરવામાં આવી હતી. અનેક ગામો અને વસાહતોમાં ભાજપના કાર્યકરો અને સ્વયંસેવકો સતત હાજર રહી લોકોને ભોજન, પીવાનું પાણી અને અન્ય જરૂરી સહાય ઉપલબ્ધ કરાવવામાં જોડાયા હતા.
પૂરનું પાણી ઓસર્યા બાદ પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાહત કામગીરી યથાવત્ રાખવામાં આવી છે. અત્યાર સુધીમાં અંદાજે 8,000થી વધુ રાશન કિટો તૈયાર કરીને જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચાડવામાં આવી છે. ઉપરાંત આગામી દિવસોમાં વધુ 14,000 જેટલી રાશન કિટો તૈયાર કરીને જિલ્લાના વિવિધ પૂરગ્રસ્ત વિસ્તારોમાં તેનું વિતરણ કરવામાં આવશે.
આ સમગ્ર રાહત અને સેવા અભિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના સૂચનથી તેમજ કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ અને નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભૂરાભાઈ શાહના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, આર.સી. પટેલ, મેયર શ્રી અશોકભાઇ ધોરાજીયા તેમજ જિલ્લાના ભાજપના હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ, કાર્યકરો અને સ્વયંસેવકોના સંકલનથી સમગ્ર જિલ્લામાં રાહત કામગીરી સુવ્યવસ્થિત રીતે ચલાવવામાં આવી રહી છે.
જિલ્લા પ્રમુખ ભૂરાભાઈ શાહએ વધુમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી માટે સેવા એ માત્ર કાર્યક્રમ નહીં પરંતુ સંસ્કાર છે. પૂરગ્રસ્ત પરિવારો સંપૂર્ણપણે સામાન્ય જનજીવન તરફ પરત ફરે ત્યાં સુધી સંગઠન દ્વારા સેવા કાર્ય સતત ચાલુ રહેશે. જરૂરિયાતમંદ દરેક પરિવાર સુધી રાહત સામગ્રી પહોંચે તે માટે કાર્યકરો સતત મેદાનમાં રહી સેવા આપી રહ્યા છે. માનવસેવાના આ અભિયાનમાં ભાજપના તમામ હોદ્દેદારો, કાર્યકરો અને સ્વયંસેવકોએ નિષ્ઠાપૂર્વક યોગદાન આપ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ કપરા સમયે જ્યારે કામદારો માલ્ટા નથી ત્યારે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા તેમજ પાર્ટીના તમામ કાર્યકર્તા ખડે પગે હાજર રહી રાશન કીટ તૈયાર કરીને અસરગ્રસ્તોને પહોચાડવામાં મહેનત કરી.



