AHAVADANGGUJARAT

નવસારી જિલ્લા આરોગ્ય શાખાએ તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત એક વર્ષમાં ૪૯૭ કેસ કરી રૂ.૭૩૬૪૧નો દંડ વસુલ્યો…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી,તા.૩૦:તમાકુના આરોગ્ય ઉપર થતાં ગંભીર પરિણામો અંગે જાગૃતિ આવે તે માટે આજે તા.૩૧મી મેના રોજ ‘વિશ્વ તમાકુ નિષેધ દિન’ની ઉજવણી કરવામાં આવે છે. તમાકુથી થતા રોગો અને મૃત્યુના વધતા જતા આંકડાને કારણે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ૧૯૮૭માં વિશ્વ તમાકુ નિષેધ દિવસની શરૂઆત કરી હતી. સૌ પ્રથમ વાર ૭ એપ્રિલ ૧૯૮૮ના રોજ તમાકુ નિષેધ દિન ઉજવાયો હતો. આ પછી, ૩૧ મે ૧૯૮૮ના રોજ ડબલ્યુ. એચ. ઓ.એ  ઠરાવ પસાર કર્યા બાદ આ દિવસ દર વર્ષે ૩૧ મેના રોજ ઉજવવાનું નક્કી કરાયુ હતું.

તમાકુ અનેક ગંભીર રોગોનું કારણ બની શકે છે, જેમ કે, ફેફસાના રોગો, ક્ષય રોગ, ક્રોનિક અવરોધક પલ્મોનરી ડીસિઝ વગેરે.. એટલું જ નહીં, તે ફેફસાના કેન્સર અને મોઢાના કેન્સરનું કારણ પણ બની શકે છે. તમાકુના નિયમીત સેવનથી પ્રતિ વર્ષે હજારો લોકો મોતને ભેટે છે. તમાકુનું અથવા તો કોઈપણ વ્યસન છોડવા માટે વ્યક્તિનું મન મક્કમ હોવું ખૂબ જ જરૂરી છે.

વ્યાયામ,કસરત કરવાથી તમાકુના વ્યસનમાંથી મુક્તિ મળે છે. ચાલવા જવું, નિયમિત દોડવું, સાઇકલ ચલાવવી જેવી સરળ કસરત કરવાથી તમાકુના સેવનની લત ઓછી અને ધીમે ધીમે બંધ કરી શકાય છે. મગજને વધુને વધુ અન્ય દિશા તરફ વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરવાથી વ્યસનને ભૂલી શકાય.તમાકુ નિષેધ માટે જનજાગૃતિ હેતુ આ દિવસ પસંદ કરાયો છે, પરંતુ ખરેખર તો આવા માદક પદાર્થોના નિષેધ માટે કોઈ પણ નિશ્ચિત્ત દિવસ હોતો નથી. કોઈ પણ વ્યક્તિ ઈચ્છે ત્યારે તેને બંધ કરી શકે છે બસ આ માટે જે તે વ્યક્તિએ પોતાનું મન મક્કમ કરવાની આવશ્યકતા છે.

નવસારી જિલ્લાની આરોગ્ય શાખા દ્વારા તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. વર્ષ ૨૦૨૪ – ૨૦૨૫ Tobacco Free Youth Campaign 2.0 ના સમયગાળા દરમિયાન કુલ ૧૬૦ આઇ.ઇ.સી. કેમ્પેઇન કરવામાં આવ્યાં હતાં. આ કેમ્પેઇન અંતર્ગત નવસારી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કુલ ૨૩૫ જેટલી શૈક્ષણિક સંસ્થાઓને TOFEI અંતર્ગત આવરી લેવામાં આવ્યાં હતાં. તેમજ પી.એચ.સી.ના તમામ મેડીકલ ઓફિસરો દ્વારા પોતાના વિસ્તારના ૩૬ જેટલાં ગામડાઓને તમાકુ મુક્ત કરવા, તેમજ જિલ્લા ટાસ્ક ફોર્સ સ્કોડ દ્વારા ૬૧ એન્ફોર્સમેન્ટ ડ્રાઇવની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત તમાકુ નિષેધ અંગે જાગૃત થાય તે માટે તમાકુ નિયંત્રણ માટેનો કાયદો COTPA-2003 અધિનિયમ અમલમાં છે. આ કાયદાના ભંગ બદલ વિવિધ કલમો-૪, ૫, ૬ (અ), ૬ (બ) મુજબ દંડ પણ કરવામાં આવ્યો હતો. જેમાં વર્ષ ૨૦૨૪-૨૫ માં કાયદાની કલમ–૪ મુજબ જિલ્લામાં ૬૪ કેસ કરી રૂ. ૧૧૪૨૦/- રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. અને કલમ–૬ મુજબ ૪૩૮ કેસ કરી રૂ. ૬૨૨૨૧/- રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. આમ, જિલ્લામાં કુલ-૪૯૭  કેસમાં રૂ. ૭૩૬૪૧/- ના દંડની વસૂલાત કરવામાં આવી હતી. આ સાથે જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટોબેકો કંટ્રોલ સેલ, નવસારીના NTCPSW તથા પી.એચ.સી.ના તમામ મેડીકલ ઓફિસરોનાના સંકલનમાં રહીને વિવિધ કામગીરીઓ કરવામાં આવી રહી છે.

*તમાકુના વ્યસનમાંથી મુકિત માટે મક્કમ મન જરૂરી*

તમાકુના ઉપયોગના જોખમો વિશે મિત્રો અને પરિવાર સાથે વાત કરવી જોઈએ. જો તેઓ ધૂમ્રપાન કરતા હોય તો તેમને ધૂમ્રપાન છોડવા માટે પ્રોત્સાહિત કરી તેમને તમાકુ છોડવામાં મદદ કરવી જોઈએ. ધૂમ્રપાન-મુક્ત કાર્યસ્થળો અને સ્વાદવાળી તમાકુ ઉત્પાદનો પર પ્રતિબંધ વગેરે જેવા તમાકુ નિયંત્રણ કાયદાઓ કે જે તમાકુનો ઉપયોગ ઘટાડવામાં મદદ કરી શકે છે તેનું સમર્થન કરવું જોઈએ. આ ઉપરાંત તમાકુનું સેવન છોડાવવા માટે નજીકના મેડિકલ સેન્ટર્સ પર મનોચિકિત્સકની મદદ પણ લઈ શકાય છે. આપણે સૌ સાથે મળીને કામ કરીને, તમાકુનો ઉપયોગ ઘટાડી દેશ અને વિશ્વને તમાકુના ચુંગાલમાંથી બચાવી નાગરીકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરી શકીએ છીએ.

Back to top button
error: Content is protected !!