નવસારી: નાણામંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે ગણદેવીનાં ધોલાઇ ખાતે ૬૬ કેવી સબ સ્ટેશનનું લોકાર્પણ કરાયું…
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*અંદાજિત રૂા.૧૫.૫૭ કરોડના ખર્ચે સ્થાપિત સબ સ્ટેશનથી ૧૧ ગામોના છ હજારથી વધુ લોકોને સાતત્યપૂર્ણ અને વિક્ષેપ-રહિત વીજળી પૂરતા દબાણથી પ્રાપ્ત થશે.-નાણામંત્રીશ્રી કનુભાઇ દેસાઇ*
–
*ગુજરાત ગુણવત્તાયુકત વિજળી આપવામાં, સોલર સિસ્ટમ અપનાવામાં, રીન્યુએબલ એનર્જીમાં સમગ્ર દેશમાં નંબર વન છે. -નાણામંત્રીશ્રી કનુભાઇ દેસાઇ*
–
નવસારી,તા.૨૯: આજરોજ નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે ગણદેવી તાલુકાના ધોલાઇ ખાતે બી.સી.જે.સાર્વજનિક હાઇસ્કુલ રામવાડી ફળીયુ, બીગરી ગણદેવી ખાતે ૬૬ કેવી સબ સ્ટેશન લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સના વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, વિજળીએ આપના જીવનનો અગત્યનો ભાગ છે. ગુજરાતની ચાર કંપનીઓ છે જે ગુજરાતને વિજળી પહોચાડે છે. આ કંપનીઓ સમગ્ર દેશમાં પણ અગ્રસ્થાને છે. ગુજરાત ગુણવત્તાયુકત વિજળી આપવામાં, સોલર સિસ્ટમ અપનાવામાં, રીન્યુએબલ એનર્જીમાં સમગ્ર દેશમાં નંબર વન છે. તેમણે વિજ બચતમાં ગ્રાહકો દ્વારા સારો પ્રતિસાદ મળી રહ્યો છે એમ ઉમેર્યું હતું.
વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આજે અંદાજિત રૂા.૧૫.૫૭ કરોડના ખર્ચે સ્થાપિત સબ સ્ટેશન ક્ષમતા 30 એમ.વી.એ. છે જે ૪,૯૦૦ ચો.મી.વિસ્તારમા ફેલાયેલુ છે. જેનાથી આજુબાજુના ૮ કી.મી. વિસ્તારમાં આવેલા કુલ ૧૧ ગામોના કુલ ૫,૬૭૬ થી વધુ લોકોને સાતત્યપૂર્ણ અને વિક્ષેપ-રહિત વીજળી પૂરતા દબાણથી પૂરી પાડી શકાશે.
તેમણે સબ સ્ટેશનની વિશેષતાઓ જણાવતા ઉમેર્યું હતું કે, નવું ૬૬ કે.વી. બીગરી (ધોલાઇ-સાલાબેટ) સબસ્ટેશન આ વિસ્તારોના ખાસ વિકાસને ધ્યાનમાં લઇ, રાજ્ય સરકારશ્રીની કોસ્ટલ ગ્રાન્ટ હેઠળ મુડી રોકાણના વળતરને ધ્યાનમાં લીધા સિવાય માત્ર આ વિસ્તારમાં રહેતી જનતાના વિકાસાર્થે ઉભુ કરવામાં આવ્યું છે.
અંતે તેમણે ગુજરાત લગભગ ૧૬૦૦ કિમીનો દરિયાકિનારો ધરાવે છે તેથી દરિયાકાંઠાના વિસ્તારોમાં ચોમાસા તેમજ કુદરતી આફત દરમિયાન વીજળી ન જાય તે માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે અંડરગ્રાઉન્ડ કેબલિંગની કામગીરી શરૂ કરાવી છે એમ ઉમેર્યું હતું.
ગણદેવી ધારાસભ્ય નરેશભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, ભુતકાળમાં વિજળી વગર રહેતા હતા આજે આપણે ગુણવત્તાવાળી વિજળી 24 કલાક મેળવી રહ્યા છે. જેનો શ્રેય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને વર્તમાન સરકારને જાય છે.
જેટકોના ઉપેન્દ્રભાઇ પટેલએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા મંત્રીશ્રી સહિત ઉપસ્થિત સૌને નવા સબસ્ટેશનથી નાગરીકોને થનાર ફાયદા અંગે અવગત કર્યા હતા. સબસ્ટેશનમાંથી નીકળતા નવા ૧૧ કે.વી. ફીડરો મારફત ૧૧ ગામોને લાભ મળશે. જેમાં ધોલાઇ, માલવાણ, કકવાડી, પોસરી, ગોયંદી, ભાઠલા, ખાપરવાડા, વણગામ, બીગરી, પોરવાસણ, દઢોરા ગામનો સમાવેશ થાય છે. જેમાં છ હજારથી વધુ લોકો તેનો લાભ લેશે એમ ઉમેર્યું હતું. વધુમાં નવસારી જિલ્લામાં હાલ કુલ ૪૨ સબસ્ટેશન કાર્યાન્વિત છે. છેલ્લા પાંચ વર્ષમાં નવસારી જિલ્લામાં ૧૫ નવા સબ-સ્ટેશનનો કાર્યાન્વિત કરવામાં આવ્યા છે. અંતે તેમણે જેટકો કંપની દ્વારા સફળતાપુર્વક પાર પાડેલ વિવિધ કાર્યો અને લોકોને પ્રદાન કરવામાં આવેલ સુવિધાઓ અંગે જાણકારી આપી હતી.
આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈ અને અન્ય મહાનુભાવોએ રિબિન કાપી, તકતી અનાવરણ કરી સબ સ્ટેશનનું લોકાર્પણ કરાયું હતુ.
કાર્યક્રમમાં સ્થાનિક શાળાની વિદ્યાર્થીનીઓ સ્વાગત ગીત રજુ કર્યું હતું.
આ પ્રસંગે જિ.પં.પ્રમુખ પરેશભાઇ દેસાઇ, જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે, વલસાડ ધારાસભ્ય ભરતભાઇ પટેલ સહિત વિવિધ મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.