AHAVADANGGUJARAT

નવસારી LCB પોલીસની ટીમે દારૂનો જથ્થો ભરેલ આઈસર સહિત રૂ.18.29 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપ્યા

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

નવસારી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે નવસારી LCBની ટીમે ગણદેવી વિસ્તારમાં નાકાબંધી કરી રૂ.18.29 લાખથી વધુના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ, નવસારી LCB પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે તા.31 ઓગસ્ટના રોજ ગણદેવી ગામ નજીક એક્સપ્રેસ-વે ટોલનાકાથી ચઢતા આશરે 100 મીટર આગળ નાકાબંધી ગોઠવી વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

દરમિયાન એક EICHER ટેમ્પો નં. GJ-01-MT-1375ને અટકાવી તપાસ કરતા તેમાં પરમિટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ, વ્હિસ્કી, વોડકા તથા ટીન બીયરની કુલ 2,436 બોટલો મળી આવી હતી. આ દારૂના જથ્થાની કિંમત આશરે રૂ.8,04,240હોવાનું પોલીસે જણાવ્યું છે.

પોલીસે દારૂના જથ્થા સાથે ટેમ્પો, રોકડ રકમ અને બે મોબાઇલ ફોન સહિત કુલ રૂ.18,29,240નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ કાર્યવાહી દરમિયાન પોલીસે જાવીદશા જાકીરશા રસુલ પુત્ર ફકીર, ઉંમર 28 વર્ષ અને બાબીશાહબાઝ સક્કલ કદવાલ ખાન, ઉંમર 26 વર્ષને ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓ ટેમ્પોના ડ્રાઇવર અને ક્લીનર તરીકે હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે.

આ મામલે ગણદેવી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કેસમાં અન્ય કેટલાક આરોપીઓ વોન્ટેડ હોવાનું પણ પોલીસે જણાવ્યું છે.

આ સમગ્ર કામગીરી LCB PI વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ PSI વાય.જી. ગઢવી, PSI એમ.બી. ગામીત તથા LCB સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!