વડાપ્રધાનની ઇંધણ બચતનો સંદેશને આત્મસાત કરી ડાંગ પહોંચ્યા નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયા પહોંચ્યા વડાપ્રધાનની ઇંધણ બચાવવાની અપીલને આત્મસાત કરી સાદગીભર્યો પ્રવાસ, સંગઠન કાર્યકરોને પણ અનાવશ્યક વાહનવ્યવહાર ટાળવા કરી અપીલ
નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયા તાપી જિલ્લાના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ શુક્રવારે ડાંગ જિલ્લાના પ્રવાસે પહોંચ્યા હતા. તેમના આ પ્રવાસ દરમિયાન સાદગી, પર્યાવરણ જાગૃતિ અને ઇંધણ બચતનો સ્પષ્ટ સંદેશ જોવા મળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પેટ્રોલ અને ડીઝલ જેવા ઇંધણનો સંયમપૂર્વક ઉપયોગ કરવા કરેલી અપીલને આત્મસાત કરતા મેયર અશોક ધોરાજીયાએ પોતાના પ્રવાસમાં અનાવશ્યક ખર્ચ અને વાહનવ્યવહાર ટાળવાનો પ્રયાસ કર્યો હતો.
મેયર અશોક ધોરાજીયાએ ડાંગ, તાપી અને વલસાડ જિલ્લાના સંગઠન કાર્યકરોને ખાસ અપીલ કરી હતી કે માત્ર શુભેચ્છા પાઠવવા કે સ્વાગત માટે લાંબા અંતર સુધી અલગ-અલગ વાહનો લઈને નવસારી અથવા કાર્યક્રમ સ્થળ સુધી ન આવે. તેમણે જણાવ્યું હતું કે ઇંધણ બચત માત્ર આર્થિક મુદ્દો નથી પરંતુ પર્યાવરણ સંરક્ષણ સાથે પણ સીધો સંબંધ ધરાવે છે. તેથી દરેક નાગરિકે જરૂરિયાત મુજબ જ વાહનનો ઉપયોગ કરી રાષ્ટ્રહિતમાં યોગદાન આપવું જોઈએ.
તેમના આ સંદેશાત્મક અને સાદગીભર્યા અભિગમને સંગઠન કાર્યકરો તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા પ્રશંસનીય ગણાવવામાં આવ્યો હતો. અનેક કાર્યકરોએ જણાવ્યું હતું કે રાજકીય આગેવાનો દ્વારા આ પ્રકારનો વ્યવહારિક સંદેશ સમાજ માટે પ્રેરણારૂપ બની શકે છે.
ડાંગ જિલ્લાના પ્રવાસ દરમિયાન મેયર અશોક ધોરાજીયાએ વિવિધ સંગઠન કાર્યકરો, સ્થાનિક આગેવાનો અને જનપ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી સંગઠન મજબૂતી અને વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ દરમિયાન ડાંગ જિલ્લા સંગઠન પ્રમુખ દ્વારા આદિવાસી સંસ્કૃતિની ઓળખ સમાન સુંદર વારલી પેઇન્ટિંગ અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
મેયર અશોક ધોરાજીયાએ ડાંગ જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખને શુભેચ્છા પાઠવી જિલ્લામાં વિકાસલક્ષી કાર્યોને વધુ ગતિ આપવા સૌ સાથે મળીને કાર્ય કરવાની ભાવના વ્યક્ત કરી હતી. મુલાકાત દરમિયાન પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ, સંગઠન સશક્તિકરણ તેમજ ઇંધણ બચત જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
વડાપ્રધાનની અપીલને માત્ર ભાષણો સુધી મર્યાદિત ન રાખી તેને પોતાના વ્યવહારમાં ઉતારવાનો પ્રયાસ કરતા મેયર અશોક ધોરાજીયાનો આ પ્રવાસ રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રે ચર્ચાનો વિષય બન્યો છે. તેમનો આ અભિગમ સામાન્ય નાગરિકો માટે પણ પ્રેરણાદાયી બની રહ્યો છે.




