CHIKHLIGUJARATNAVSARI

નવસારી: સોશિયલ મીડિયાથી થારનો સોદો, ચીખલીના યુવાન સાથે રૂ. 4.07 લાખની ઠગાઈ કરનાર બે ઠગો ઝડપાયા

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

બીજાની થાર પોતાની હોવાનું કહી વેચાણનો ખેલ; બે આરોપી ઝડપાયા, આંતરજિલ્લા ઠગ ટોળકીનો ભાંડો ફૂટ્યો

સોશિયલ મીડિયા પર સસ્તામાં થાર કાર વેચવાની લાલચ આપીને ચીખલી તાલુકાના રાનકુવાના એક યુવાન સાથે રૂ. 4.07 લાખની છેતરપિંડી કરનાર આંતરજિલ્લા ઠગ ટોળકીનો ભાંડો ફૂટ્યો છે. પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધી બે આરોપીઓને ઝડપી પાડી કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા છે. સમગ્ર કાવતરાના મૂળ સુધી પહોંચવા અને ટોળકીના અન્ય સાગરીતોને ઝડપી પાડવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, રાનકુવાના રહેવાસી પ્રણવસિંહ જયેશસિંહ પરમારનો આશરે છ માસ અગાઉ ફેસબુક મારફતે ભૌતિક ગોસ્વામી સાથે સંપર્ક થયો હતો. ભૌતિકે થાર કાર (GJ-01-WF-0248)ના ફોટા મોકલી લોન ચાલુ હોવા છતાં હપ્તા નિયમિત ભરાતા હોવાનું જણાવી માત્ર રૂ. 5.50 લાખમાં ગાડી વેચવાની ઓફર કરી હતી. સસ્તો સોદો હોવાથી પ્રણવસિંહ વિશ્વાસમાં આવી ગયા હતા.

ત્યારબાદ આરોપી ભૌતિકે સેફખાન નામના વ્યક્તિ મારફતે નોગામા ખાતે ગાડી પહોંચાડી હતી. ત્યાં ફરિયાદીએ રૂ. 3 લાખ રોકડા તેમજ રૂ. 95 હજાર ગૂગલ-પે મારફતે ચૂકવ્યા હતા. બાદમાં કાગળો અને બીજી ચાવી મોકલવાના બહાને ડીઝલ ખર્ચ તરીકે વધુ રૂ. 5 હજાર ઓનલાઈન પડાવી લેવામાં આવ્યા હતા.

ગાડી મિત્રના ઘરે પાર્ક કર્યા બાદ રાત્રે રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ હતી. પૂછપરછ કરતાં આરોપીએ જીપીએસ મારફતે ગાડી ગોધરા પહોંચી હોવાનું કહી ચિંતા ન કરવા જણાવ્યું હતું. બાદમાં બીજી થાર અથવા ફોર્ચ્યુનર આપવાના બહાને ફરી લાખો રૂપિયાની માંગણી શરૂ કરી હતી.

22 જુલાઈએ બે શખ્સો બીજી થાર લઈને આવ્યા અને પોતે ગાડીના માલિક હોવાનું જણાવી રૂ. 2.70 લાખની માંગણી કરી હતી. જોકે ફરિયાદીએ ઓળખપત્ર માંગતા બંને ગભરાઈ ગયા હતા. પૂછપરછ દરમિયાન એક આરોપીએ પોતાનું સાચું નામ નૂરુલહક્ક ઉર્ફે સુફિયાન જાહેદભાઈ ચૌહાણ હોવાનું કબૂલતા સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો હતો.

ફરિયાદના આધારે પોલીસે ભૌતિક ગોસ્વામી (અમદાવાદ/સાબરકાંઠા), નૂરુલહક્ક ઉર્ફે સુફિયાન જાહેદભાઈ ચૌહાણ (વડોદરા), સેફખાન તથા સરમન શૈલેશ રજવાડી (વડોદરા) સામે છેતરપિંડી, વિશ્વાસઘાત અને ગુનાહિત કાવતરાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે નૂરુલહક્ક ઉર્ફે સુફિયાન ચૌહાણ અને સરમન રજવાડીની ધરપકડ કરી કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા છે. હવે આ ટોળકીએ અન્ય કેટલા લોકોને આ જ મોડસ ઓપરેન્ડીથી શિકાર બનાવ્યા છે અને ગાડીઓ કેવી રીતે મેળવી વેચાણનો ખેલ રમાતો હતો તે દિશામાં તપાસ આગળ વધી રહી છે.

બોક્સ : પોલીસની જનતાને અપીલ

પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર વાહન ખરીદતા પહેલાં ગાડીની માલિકી, આર.સી. બુક, લોનની સ્થિતિ અને વેચનારની ઓળખની સંપૂર્ણ ચકાસણી કર્યા વગર કોઈપણ પ્રકારની ચુકવણી ન કરે. જો કોઈ વ્યક્તિ આવી ટોળકીની છેતરપિંડીનો ભોગ બન્યો હોય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસને સહકાર આપે, જેથી ટોળકીના અન્ય સાગરીતોને પણ કાયદાના સકંજામાં લઈ શકાય.

લોકોમાં માંગ ઉઠી

સૂત્રોના જણાવ્યા મુજબ, આ ટોળકી દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કરોડો રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. પોલીસ રિમાન્ડ દરમિયાન મળતી માહિતીના આધારે સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. લોકોમાં એવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે કે પોલીસ તળિયાઝટક તપાસ કરી ટોળકીના તમામ સૂત્રધારોને ઝડપી કાયદેસરની કડક કાર્યવાહી કરશે, જેથી ભવિષ્યમાં આવી ઓનલાઈન છેતરપિંડી પર અસરકારક અંકુશ આવી શકે.

Back to top button
error: Content is protected !!