મોરબીમાં જાતિ પ્રમાણપત્રોના ઉપયોગ અંગે આક્ષેપો; ડો. નિરવ પટેલે મુખ્યમંત્રી સમક્ષ તપાસની માંગ કરી…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
મોરબીમાં જાતિ પ્રમાણપત્રોના ઉપયોગ અંગે આક્ષેપો; ડો. નિરવ પટેલે મુખ્યમંત્રી સમક્ષ તપાસની માંગ કરીખોટા જાતિ પ્રમાણપત્રોના આધારે સરકારી નોકરી અને લાભો મેળવ્યાના ગંભીર આક્ષેપ: ડો. નિરવ પટેલે મુખ્યમંત્રી સમક્ષ ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના વસુંધરા ગામના એક જ પરિવારના બે સગા ભાઈઓ દ્વારા કથિત રીતે અલગ-અલગ જાતિના પ્રમાણપત્રોના આધારે સરકારી નોકરીઓ અને અન્ય સરકારી લાભો મેળવવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ સમગ્ર મામલે ડો. નિરવ પટેલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ લેખિત રજૂઆત કરીને તટસ્થ તપાસ અને કડક કાયદાકીય કાર્યવાહીની માંગણી કરી છે.
ડો. નિરવ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં સાચા અને જરૂરિયાતમંદ આદિવાસી (ST) તથા અન્ય પછાત વર્ગ (OBC)ના ઉમેદવારોના અધિકારોને અસર પહોંચાડે તેવા આક્ષેપો સામે આવ્યા છે, જે સમગ્ર અનામત વ્યવસ્થા અને ભરતી પ્રક્રિયાની વિશ્વસનીયતા માટે ચિંતાજનક બાબત છે.
મળતી વિગતો મુજબ વસુંધરા ગામના ખાતા નંબર-48ના કબ્જેદાર રેવાભાઈ હમીરભાઈ સરસૈયાના પરિવારના બે પુત્રોએ અલગ-અલગ અનામત વર્ગોના લાભો મેળવ્યા હોવાના આક્ષેપો છે.
મોટા પુત્ર હરેશ રેવાભાઈ સરસૈયા વર્ષ 2015-16ની ભરતી પ્રક્રિયામાં SEBC (OBC) કેટેગરી હેઠળ પસંદગી પામી હાલ મોરબી ખાતે રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવી રહ્યા હોવાનું જણાવાયું છે.
જ્યારે નાના પુત્ર નવઘણ રેવાભાઈ સરસૈયાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની જુનિયર ક્લાર્ક ભરતીમાં ST (આદિવાસી) કેટેગરી હેઠળ પસંદગી મેળવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉપરાંત વર્ષ 2021માં ST માટે અનામત વાંકાનેર તાલુકા પંચાયતની અરણીટીંબા બેઠક પરથી ચૂંટણી પણ લડી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
રજૂઆતમાં મનરેગા યોજના હેઠળ પણ ગેરરીતિના આક્ષેપો કરવામાં આવ્યા છે. પરિવાર પાસે અંદાજે 15 વીઘા (5.79 હેક્ટર) જમીન અને સરકારી નોકરીમાંથી નિયમિત આવક હોવા છતાં પોતાને ગરીબ મજૂર તરીકે દર્શાવી વિવિધ સરકારી સહાય મેળવવાનો પ્રયાસ કરાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ડો. નિરવ પટેલે પ્રશ્ન ઉઠાવ્યો છે કે એક જ પિતા અને એક જ વારસાગત મિલકત ધરાવતા બે સગા ભાઈઓ કેવી રીતે અલગ-અલગ અનામત વર્ગોના લાભાર્થી બની શકે? તેમના મતે આ સમગ્ર મામલો દસ્તાવેજી હેરાફેરી અને વહીવટી તંત્રને ગેરમાર્ગે દોરવાના ગંભીર કૌભાંડ તરફ ઈશારો કરે છે.
આદિવાસી સમાજના પ્રતિનિધિઓ અને ફરિયાદકર્તાઓએ સરકાર સમક્ષ નીચે મુજબની માંગણીઓ મૂકી છે:
• બંને ભાઈઓના જાતિ પ્રમાણપત્રોની ચકાસણી માટે વિશેષ વિજિલન્સ કમિટીની રચના કરવામાં આવે. • તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સંબંધિત કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવે અને દોષિત સાબિત થાય તો કાયમી બરતરફ કરવામાં આવે. • અત્યાર સુધી મેળવેલા પગાર, ભથ્થાં અને અન્ય સરકારી લાભોની વ્યાજ સહિત વસૂલાત કરવામાં આવે. • ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. • પ્રમાણપત્રો જારી કરવામાં બેદરકારી કે ગેરરીતિ દાખવનાર અધિકારીઓ સામે પણ ખાતાકીય તથા ફોજદારી કાર્યવાહી કરવામાં આવે.
ડો. નિરવ પટેલે જણાવ્યું હતું કે જો આ સંવેદનશીલ મામલે નિષ્પક્ષ અને ત્વરિત તપાસ કરીને સાચા હકદારોને ન્યાય આપવામાં નહીં આવે તો રાજ્યના હજારો મહેનતુ યુવાનોનો સરકારી ભરતી પ્રક્રિયા અને સિસ્ટમ ઉપરનો વિશ્વાસ ડગમગી શકે છે.


